Loading...

Vadodara News: મારામારી અને છેડતીની ઘટનાને પગલે એમએસ યુનિવર્સિટીમાં સુરક્ષા વધારાઇ, 200 સિક્યોરિટી જવાનો સાથે AI કેમેરાથી રહેશે બાઝ નજર

આ કેમેરા દ્વારા ચહેરા ઓળખ, શંકાસ્પદ હરકતોની ઓળખ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે, જે સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 27 Jan 2026 02:52 PM (IST)Updated: Tue 27 Jan 2026 02:52 PM (IST)
vadodara-news-ms-university-to-deploy-200-security-personnel-ai-cameras-for-monitoring-680727

Vadodara News: વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ એસ યુનિવર્સિટી)માં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં વધતી મારામારી, ઝઘડા અને છેડતીની ઘટનાઓ સામે આવતાં સત્તાધીશો પર દબાણ વધ્યું હતું. આ તમામ ઘટનાઓ બાદ હવે મોડે મોડે જાગેલા યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે.

યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય મુજબ 1 ફેબ્રુઆરીથી યુનિવર્સિટીમાં સિક્યોરિટીનો નવો કોન્ટ્રાક્ટ અમલમાં મુકવામાં આવશે. ખાસ વાત એ છે કે પહેલીવાર યુનિવર્સિટીમાં એકસાથે ત્રણ અલગ-અલગ સિક્યોરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે અને સતત મોનિટરિંગ શક્ય બને તેમ છે.

નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત કુલ 200 સિક્યોરિટી જવાનો યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટી, હોસ્ટેલ, લાઈબ્રેરી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. દિવસ-રાત પેટ્રોલિંગ, સંદિગ્ધ વ્યક્તિઓ પર નજર અને તાત્કાલિક કાર્યવાહી માટે ખાસ ટીમો બનાવવામાં આવશે. સાથે જ યુનિવર્સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પણ સીમિત કરવામાં આવશે, જેથી અનધિકૃત લોકોના પ્રવેશ પર અંકુશ મૂકી શકાય.

આ ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ તરફ પણ યુનિવર્સિટી પ્રશાસન આગળ વધી રહ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં આધુનિક AI આધારિત કેમેરા લગાવવાની પણ સત્તાધીશોની ગંભીર વિચારણા ચાલી રહી છે. આ કેમેરા દ્વારા ચહેરા ઓળખ, શંકાસ્પદ હરકતોની ઓળખ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે, જે સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા લાંબા સમયથી સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે લેવાયેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જો કે, સવાલ એ પણ ઊભો થાય છે કે જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો ઘણી ઘટનાઓ ટાળી શકાય તેમ હતી. તેમ છતાં, યુનિવર્સિટી પ્રશાસનનો આ નિર્ણય આવનારા સમયમાં કેમ્પસને વધુ સુરક્ષિત અને શાંત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.