MS University: વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ એમ.એમ. હોલના એક રૂમમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો અને સિગારેટના પેકેટ મળી આવતા સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે યુનિવર્સિટી પ્રશાસન તેમજ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
એમ.એમ. હોલમાંથી મળી દારૂની બોટલો-સિગારેટના પેકેટ
પ્રાપ્ત માહિતી મુજબ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રે કરવામાં આવેલી રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી 25થી 30 જેટલી ખાલી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રૂમમાંથી ખાલી સિગારેટના અનેક પેકેટ પણ મળી આવ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાર્ટી થતી હોવાની શંકાએ કરી સપ્રાઈઝ રેડ
ઘટનાની જાણ થતાં જ એમ.એસ. યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ અને હોસ્ટેલ પ્રશાસન સ્થળ પર પહોંચી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા આ મામલે તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Vadodara: NH48 પર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી લક્ઝરી બસ, ડ્રાઇવરનું મોત
યુનિવર્સિટી પ્રશાસન પર ગંભીર સવાલ ઉઠ્યા
મોટી માત્રામાં નશીલા પદાર્થો હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યા, કોના દ્વારા લાવવામાં આવ્યા અને તેમાં કેટલા વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે, તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. હોસ્ટેલમાં કડક નિયમો હોવા છતાં આવી ઘટના સામે આવવાથી યુનિવર્સિટી પ્રશાસનની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી
સયાજીગંજ પોલીસ દ્વારા હોસ્ટેલના રૂમમાં રહેતા વિદ્યાર્થીઓની વિગતો અને CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. દોષિતો સામે કાયદેસર કાર્યવાહી સાથે યુનિવર્સિટી તરફથી શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
