Agriculture News: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહ્વાન અને પ્રાકૃતિક ખેતીના અભિયાનથી પ્રેરાઈને દાહોદ તાલુકાના રળીયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઇ ડામોર આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવીને તેમણે 1 એકર જમીનમાં બોરની ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ મેળવી છે.

આસામથી કાશ્મીર સુધીનો અનોખો સંગમ
વર્ષ 2021માં મંગળભાઈએ ખેતીમાં નવો પ્રયોગ કરવાનું વિચાર્યું અને આસામથી એપલ બોર, થાઈ એપલ અને કાશ્મીરી બોરના 400 જેટલા છોડ મંગાવ્યા. પોતાની 1 એકર જમીનમાં આ છોડની રોપણી કરી અને સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી તેનો ઉછેર કર્યો. આજે આ મહેનત ફળ આપી રહી છે.

માત્ર 10 દિવસમાં 30 હજારની કમાણી
મંગળભાઈ જણાવે છે કે, "આ વર્ષે બોરની સીઝનમાં મને છેલ્લા 10 દિવસમાં જ રૂપિયા 30 હજારની કમાણી થઈ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે મારે માલ વેચવા બજારમાં જવું પડતું નથી. ગ્રાહકો ફોન પર ઓર્ડર આપે છે અને ઘરે આવીને જ બોર લઈ જાય છે." હોળી સુધી ચાલનારી આ સીઝનમાં તેમને હજુ પણ સારી આવકની અપેક્ષા છે.

પ્રાકૃતિક ખેતીના ફાયદા
તેમણે અનુભવ શેર કરતા જણાવ્યું કે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં જમીનની ફળદ્રુપતા અને ભેજ સંગ્રહ શક્તિ વધે છે. ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પિયતની ઓછી જરૂર પડે છે. તેમજ ફળો સ્વાદિષ્ટ, મીઠા અને રાસાયણિક દવા મુક્ત હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

આગામી પેઢી માટે સ્વાસ્થ્યનો સંદેશ
મંગળભાઈ ખેડૂતોને અપીલ કરતા કહે છે કે, "આજે નાની ઉંમરે ગંભીર રોગો થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ રાસાયણિક ખાતરો છે. જો આપણે આવનારી પેઢીને રોગમુક્ત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે." અન્ય ખેડૂતોને મદદરૂપ થવા માટે તેમણે પોતાનો સંપર્ક નંબર 6354673314 પણ જાહેર કર્યો છે, જેથી કોઈ પણ ખેડૂત માર્ગદર્શન મેળવી શકે.

