Dahod News: દાહોદ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા દાહોદ એલસીબી પોલીસે ફરી એક મોટી સફળતા હાંસલ કરી છે. બાતમીના આધારે એલસીબી પોલીસે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખાંગેલા ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે રૂ. 1 કરોડ 85 લાખ કિંમતનો વિદેશી દારૂ તેમજ દારૂ ભરેલી ટ્રક સહિત કુલ રૂ. 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદ એલસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક ટ્રક મારફતે મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીને ગંભીરતાથી લઈને એલસીબી ટીમે ખાંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હોવાનું બહાર આવ્યું. ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રક સહિત સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો.
આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ દારૂ તસ્કરી પાછળ કયા બૂટલેગરો અને નેટવર્ક સંડોવાયેલા છે તે જાણવા માટે પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસ દરમિયાન દાહોદ એલસીબી પોલીસે જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાનું વિદેશી દારૂ ઝડપી પાડીને દારૂ તસ્કરો પર કડક કાર્યવાહી કરી છે. સતત થઈ રહેલી કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દાહોદ એલસીબી પોલીસની આ કામગીરીથી જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો હોવાનો સંદેશ મળ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દારૂ તસ્કરી સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
