Loading...

Dahod: LCB પોલીસને મળી મોટી સફળતા, ટ્રક ભરીને વિદેશી દારૂ સાથે બે આંતરરાજ્ય બુટલેગર ઝડપાયા

આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા રૂ. 1.02 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી, હરિયાણા તથા રાજસ્થાનના બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 26 Jan 2026 04:59 PM (IST)Updated: Mon 26 Jan 2026 04:59 PM (IST)
dahod-lcb-police-arrested-two-bootleggers-with-a-truck-full-of-foreign-liquor-680234
HIGHLIGHTS
  • ખંગેલા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
  • કેપીટલ ફુડ્સના બોક્સની આડમાં લઈ જવાતો હતો દારૂ
  • દાહોદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી

Dahod Crime News: દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી કરતા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને (LCB) મોટી સફળતા મળી છે. કતવારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડરના ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસ ટીમે કેપીટલ ફુડ્સના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 

દાહોદ LCB પોલીસની મોટી કાર્યવાહી

દાહોદ LCB પોલીસ દ્વારા લિસ્ટેડ બુટલેગરો તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઈસમો પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી. આ અંતર્ગત અલગ-અલગ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરેલો ટ્રક ગુજરાત બોર્ડર તરફ આવી રહ્યો છે.

સોસ-ચટણીના બોક્સની આડમાં છુપાવેલ વિદેશી દારૂ  

આ બાતમીના આધારે પોલીસ ટીમે ખંગેલા ચેક પોસ્ટ પર વ્યૂહાત્મક આયોજન કરીને વાહન ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન RJ-02-GB-3415 નંબરના આઇસર ટ્રકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કેપીટલ ફુડ્સના સોસ અને ચટણીના બોક્સની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લીશ દારૂ મળી આવ્યો. 

બે આરોપી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી 

આ મામલે હરીયાણાના સત્યવાન ઓમપ્રકાશ પંડિત અને રાજસ્થાનના રાકેશ નારાયણલાલ જાટ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી સામે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રૂપિયા 1.02 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ટ્રકમાંથી કુલ 380 પેટીમાં 13,152 બોટલ દારૂ મળી આવી, તેની અંદાજિત કિંમત રૂ. 52,18,560 થાય છે. પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઇસર ટ્રક, બે મોબાઇલ ફોન તેમજ કેપીટલ ફુડ્સના 1,355 બોક્સ સહિત કુલ રૂપિયા 1.02 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.