Benefits of Natural Farming: આજના સમયમાં ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને કારણે જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિમાં 'પ્રાકૃતિક ખેતી' એક શ્રેષ્ઠ પર્યાય તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતની આવક જ નથી વધારતી, પરંતુ સમગ્ર ઈકોસિસ્ટમને પુનર્જીવિત કરવાનું કાર્ય કરે છે.
પ્રાકૃતિક ખેતીના 10 મુખ્ય ફાયદાઓ:
- 1) ઉત્પાદનમાં વધારો: અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે પ્રાકૃતિક ખેતીથી પરંપરાગત ખેતી કરતા પણ વધુ ઉત્પાદન મળે છે અથવા રાસાયણિક ખેતી જેટલું ઉત્પાદન તો જળવાઈ જ રહે છે.
- 2) આરોગ્યપ્રદ ખેતપેદાશ: કોઈ પણ કૃત્રિમ રસાયણ વગર તૈયાર થયેલો પાક ઝેરમુક્ત હોય છે, જે આરોગ્યપ્રદ હોવાની સાથે માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
- 3) પર્યાવરણની જાળવણી: હાનિકારક રસાયણોના અભાવે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકે છે અને પ્રકૃતિનું સંતુલન જળવાય છે.
- 4) ખેડૂતોની આવકમાં વૃદ્ધિ: ઇનપુટ ખર્ચ (બિયારણ, ખાતરનો ખર્ચ) ઘટવાથી અને ઊંચી ગુણવત્તાવાળા પાકના સારા ભાવ મળવાથી ખેડૂતની ચોખ્ખી આવક વધે છે.
- 5) ગ્રામ્ય રોજગાર સર્જન: ખેતપેદાશોના મૂલ્યવર્ધન (Value Addition) થી ગામડાઓમાં જ રોજગારીની નવી તકો ઉભી થાય છે.
- 6) પાણીના વપરાશમાં ઘટાડો: આ પદ્ધતિમાં આચ્છાદન (Mulching) ને કારણે જમીનમાં ભેજ લાંબો સમય ટકી રહે છે, જેથી પિયતની જરૂરિયાત ઓછી રહે છે.
- 7) ખર્ચમાં ધરખમ ઘટાડો: જીવામૃત અને વિવિધ પ્રાકૃતિક અર્ક ખેડૂત પોતે ઘરે જ બનાવી શકે છે, જેથી મોંઘા ખાતર-જંતુનાશકોનો ખર્ચ શૂન્ય થઈ જાય છે.
- 8) જમીનની ઉત્પાદન ક્ષમતામાં સુધારો: યુરિયા જેવા રસાયણો બંધ થતા જમીનના સૂક્ષ્મ જીવાણુઓ જીવંત થાય છે, જે જમીનને બિનઉપજાઉ થતી અટકાવે છે.
- 9) ભેજ સંગ્રહ ક્ષમતા: અળસિયા અને અન્ય જીવંત જીવોની પ્રવૃત્તિ વધતા જમીન પોચી બને છે અને તેની પાણી સંગ્રહ કરવાની શક્તિ વધે છે.
- 10) પશુધનનું સંવર્ધન: પ્રાકૃતિક ખેતીનો પાયો જ પશુધન (ગાય) છે. છાણ અને મૂત્રના ઉપયોગને કારણે પશુપાલન વધે છે, જે ખેડૂતને વધારાની આવક આપે છે.
રાસાયણિક વિરુદ્ધ પ્રાકૃતિક ખેતી
રાસાયણિક ખેતી જળચક્ર અને વાયુચક્ર પર નકારાત્મક અસર કરે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી મિત્ર કીટકો અને પરાગનયન કરતી જીવાતોને બચાવે છે. પ્રાકૃતિક કૃષિ સ્વસ્થ જળચર ઈકોસિસ્ટમ જાળવવામાં મદદ કરે છે, જ્યારે રાસાયણિક ખેતી પૂર અને ભૂસ્ખલન જેવી આપત્તિઓનું કારણ બની શકે છે.
