Loading...

અમેરિકાએ ઈરાનના જડબામાંથી પાયલટને છોડાવ્યો: ભીષણ ગોળીબાર વચ્ચે જીવના જોખમે પાર પાડ્યું રેસ્ક્યુ ઓપરેશન

શુક્રવારે થયેલી આ દુર્ઘટનામાં એક પાયલટ તો અગાઉ જ બચી ગયો હતો, પરંતુ બીજા પાયલટની સલામતી પર સવાલો ઉભા થયા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 05 Apr 2026 10:04 AM (IST)Updated: Sun 05 Apr 2026 10:04 AM (IST)
us-rescues-its-pilot-from-iran-amidst-heavy-gunfire-721921

Middle East conflict: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. શુક્રવારે દક્ષિણ ઈરાન ઉપર તોડી પાડવામાં આવેલા અમેરિકી એફ-15ઈ (F-15E) ફાઈટર જેટનો બીજો પાયલટ, જે છેલ્લા બે દિવસથી ગુમ હતો, તેને અંતે શોધી કાઢવામાં આવ્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, અમેરિકી સૈન્ય અધિકારીઓએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે કે પાયલટ સુરક્ષિત છે, પરંતુ તે હજુ પણ જોખમમાં છે.

ભારે ગોળીબાર વચ્ચે પાયલટનું લોકેશન મળ્યું

યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટને શોધવા માટે ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ભારે ગોળીબારનો સામનો કરવો પડ્યો હતો. અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમેરિકી વિશેષ દળોએ પાયલટને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. જોકે, અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે પાયલટ મળી ગયો હોવા છતાં તે હજુ પણ સંપૂર્ણપણે ખતરાની બહાર નથી. દુશ્મન દેશની ધરતી પરથી તેને બહાર લાવવો એ અત્યારે સૌથી મોટો પડકાર છે.

રેસ્ક્યુ ટીમ હજુ પણ ઈરાની સરહદમાં

સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાયલટને બચાવનારી યુએસ રેસ્ક્યુ ટીમ હજુ સુધી ઈરાની પ્રદેશમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકી નથી. દુશ્મન દળોના સતત હુમલા અને ભૌગોલિક પડકારોને કારણે ટીમ હજુ સુરક્ષિત સ્થાન પર પહોંચી નથી. અમેરિકી સૈન્ય આ પાયલટ અને રેસ્ક્યુ ટીમને એરલિફ્ટ કરવા માટે વધારાના દળો અને એર સપોર્ટનો ઉપયોગ કરી રહી છે.

ઈરાનનું ઈનામ અને અમેરિકાની વળતી કાર્યવાહી

નોંધનીય છે કે આ પાયલટને શોધવા માટે ઈરાની અધિકારીઓ પણ આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. ઈરાને અગાઉ જાહેરાત કરી હતી કે જે કોઈ પણ આ અમેરિકી પાયલટને જીવતો પકડશે અથવા તેની જાણકારી આપશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. ઈરાન આ પાયલટનો ઉપયોગ યુદ્ધબંદી તરીકે કરવા માંગતું હતું, પરંતુ અમેરિકી સૈન્યે સમયસર તેને શોધી કાઢીને ઈરાનના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.

શુક્રવારે થયેલી આ દુર્ઘટનામાં એક પાયલટ તો અગાઉ જ બચી ગયો હતો, પરંતુ બીજા પાયલટની સલામતી પર સવાલો ઉભા થયા હતા. હવે તેની ભાળ મળતા પેન્ટાગોનમાં થોડી રાહત જોવા મળી રહી છે.