Saudi Arabia Oldest Man: સાઉદી અરેબિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 142 વર્ષની વયે નિધન, 110 વર્ષની ઉંમરે લગ્ન કરીને બન્યા હતા પિતા

સાઉદી અરેબિયામાં પોતાને દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાવતા નાસીર બિન રદાન અલ રાશિદ અલ વદાઈનું 142 વર્ષની વયે નિધન થયું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 16 Jan 2026 09:11 AM (IST)Updated: Fri, 16 Jan 2026 09:11 AM (IST)
saudi-arabias-oldest-man-nasser-bin-radan-al-wadaei-dies-at-142

Saudi Arabia Oldest Man: સાઉદી અરેબિયામાં પોતાને દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાવતા નાસીર બિન રદાન અલ રાશિદ અલ વદાઈનું નિધન થયું છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ તેમનું મૃત્યુ 8 જાન્યુઆરીએ રાજધાની રિયાધમાં થયું હતું. સામાન્ય માણસ સરેરાશ ઉંમરે પહોંચવા માટે પણ સંઘર્ષ કરે છે, ત્યારે 142 વર્ષથી વધુ જીવવું એ પોતાનામાં જ આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે.

ગલ્ફ ન્યૂઝ અનુસાર તેમના જનાજાની નમાજ દક્ષિણ ધહરાનમાં અદા કરવામાં આવી હતી, જેમાં 7,000 થી વધુ લોકો સામેલ થયા હતા. ત્યારબાદ તેમને તેમના પૈતૃક ગામ અલ રાશિદમાં દફનાવવામાં આવ્યા હતા.

વિશાળ પરિવાર અને 110 વર્ષે પિતા બન્યા
અલ વદાઈ પોતાની પાછળ 134 બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. તેમના જીવનની એક ખાસ વાત એ હતી કે તેમણે 110 વર્ષની વયે છેલ્લા લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેમને ત્યાં એક પુત્રીનો જન્મ પણ થયો હતો.

40 થી વધુ વખત હજ યાત્રા
1884માં જન્મ સાઉદી મીડિયાના જણાવ્યા અનુસાર અલ વદાઈનો જન્મ 1884માં થયો હતો. આ તે વર્ષ હતું જ્યારે અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું નિર્માણ શરૂ થયું હતું અને તે સમયે સાઉદી અરેબિયાનું એકીકરણ પણ થયું ન હતું. તેમના પરિવારે જણાવ્યું કે તેમણે દેશના સ્થાપક કિંગ અબ્દુલ અઝીઝથી લઈને હાલના શાસક કિંગ સલમાન સુધીનો સમયગાળો અને અનેક પેઢીઓ જોઈ હતી. ધાર્મિક આસ્થાના મામલે પણ તેઓ ખૂબ જ સમર્પિત હતા. તેમના વિશે જણાવવામાં આવે છે કે તેમણે તેમના જીવનકાળમાં 40 થી વધુ વખત હજ યાત્રા પૂર્ણ કરી હતી.

ઉંમર અંગે નિષ્ણાતોનો મત
જોકે, બ્રિટિશ સોસાયટી ફોર રિસર્ચ ઓન એજિંગના ચેરમેન ડેવિડ વીનકોવે મેટ્રો ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે કોઈ વ્યક્તિનું 142 વર્ષ સુધી જીવવું અસંભવ લાગે છે. અત્યાર સુધીના સત્યાપિત રેકોર્ડ મુજબ, દુનિયામાં સૌથી વધુ ઉંમર જીવનાર મહિલા જીન કેલમેન્ટ હતા, જેમની ઉંમર 122 વર્ષ હતી.