Pakistan Train Blast: પાકિસ્તાનનો અશાંત ગણાતો બલુચિસ્તાન પ્રાંત આજે ફરી એકવાર બોમ્બ ધડાકાથી ધ્રૂજી ઉઠ્યો છે. રવિવારની સવારે ક્વેટાના ચમન ફાટક રેલ્વે સ્ટેશન પાસે લશ્કરી કર્મચારીઓને લઈ જતી એક ટ્રેનને નિશાન બનાવીને કરવામાં આવેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 24 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Balochistan, Pakistan Update 🇵🇰
23+ died
40+ injured
A Powerful explosion was reported near Chaman Phatak in Quetta.
A passenger train was targeted in the blast. Fires also broke out in vehicles and buildings near the explosion site.
Video 📷 pic.twitter.com/cyJZxGiXxA
આ પણ વાંચો
આ શક્તિશાળી વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ હુમલો ખાસ કરીને પાકિસ્તાની સૈન્યના જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેઓ ટ્રેન મારફતે મુસાફરી કરી રહ્યા હતા.

10 થી વધુ વાહનોના ફુરચા ઉડ્યા
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ રેલ્વે ટ્રેક પાસે થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે ટ્રેનના ડબ્બાને વ્યાપક નુકસાન થયું હતું અને આસપાસના વિસ્તારમાં મોટો ખાડો પડી ગયો હતો. વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રેલ્વે સ્ટેશન નજીક પાર્ક કરેલા ઓછામાં ઓછા 10 વાહનો રમકડાની જેમ તૂટી ગયા હતા અને કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.
માત્ર વાહનો જ નહીં, પરંતુ વિસ્ફોટ સ્થળની આસપાસ આવેલી ઇમારતોની બારીઓના કાચ પણ ફૂટી ગયા હતા. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા અને લોકો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતા નજરે પડ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ, મૃતકોમાં સૈન્ય કર્મચારીઓની સંખ્યા વધુ હોવાની આશંકા છે.
હોસ્પિટલોમાં ઈમરજન્સી: તબીબોને ફરજ પર બોલાવાયા
ઘટનાની ગંભીરતાને જોતા ક્વેટાની તમામ સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક અસરથી કટોકટી (એમરજન્સી) જાહેર કરવામાં આવી છે. બલુચિસ્તાન આરોગ્ય વિભાગે રજા પર ઉતરેલા તમામ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ આપ્યો છે.
ઘાયલોને સિવિલ હોસ્પિટલ અને સૈન્ય હોસ્પિટલ (CMH) માં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલો પૈકી ઘણાની હાલત અત્યંત નાજુક છે, જેને પગલે મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. લોહીની અછત ન સર્જાય તે માટે સ્થાનિક યુવાનોને રક્તદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
આ હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સાવચેતીના ભાગરૂપે પેશાવર તરફ જતી 'જાફર એક્સપ્રેસ' ને ક્વેટા રેલ્વે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી.
પ્રાંતીય ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ એક કાયરતાપૂર્ણ કૃત્ય છે. તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે." તેમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘટનાસ્થળે ભીડ ન કરે, જેથી બચાવ કામગીરી અને એમ્બ્યુલન્સની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે.
બલુચિસ્તાનમાં વધતી હિંસા
બલુચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની સૈન્ય અને ચીની પ્રોજેક્ટ્સ પરના હુમલાઓમાં વધારો થયો છે. અલગતાવાદી સંગઠનો અવારનવાર સુરક્ષા દળોને નિશાન બનાવતા રહે છે. જોકે, હજુ સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈ સંગઠને સ્વીકારી નથી, પરંતુ પોલીસને શંકા છે કે આમાં પ્રતિબંધિત આતંકી સંગઠનોનો હાથ હોઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને તપાસ
વિસ્ફોટ બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે વિસ્ફોટમાં કયા પ્રકારના કેમિકલ કે આઈઈડી (IED) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પાકિસ્તાનમાં આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ હુમલાની નિંદા કરવામાં આવી રહી છે.
નિષ્ણાતોનું માનવું છે કે રેલ્વે અને ટ્રેનોને નિશાન બનાવીને આતંકીઓ રાજ્યના પરિવહન અને સુરક્ષા માળખાને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં ક્વેટામાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે અને લોકોમાં ફયનો માહોલ છે.
