Pakistan Crisis: ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવની સીધી અસર પાકિસ્તાનના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે તેલ અને ગેસની સર્જાયેલી અછતને પહોંચી વળવા માટે પાકિસ્તાન સરકારે દેશભરમાં કડક 'બચત યોજના' જાહેર કરી છે. આ નવી નીતિના ભાગરૂપે દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં શાળાઓ બંધ રાખવાથી લઈને સરકારી કચેરીઓના કામકાજના દિવસો ઘટાડવા સુધીના આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે.
શિક્ષણ અને કચેરીઓ પર અસર
વધતા જતા તેલ સંકટને કારણે પાકિસ્તાન સરકારે તમામ શાળાઓ આગામી 2 અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, સરકારી કચેરીઓ માટે વર્ક ફ્રોમ હોમ (Work From Home) ની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. હવેથી સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે, જેથી ઈંધણના વપરાશમાં ઘટાડો કરી શકાય.
ઈંધણ અને પગારમાં ધરખમ કાપ
વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે સરકારી વિભાગોના વાહનો માટેના ઈંધણ ભથ્થામાં 50% નો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી બે મહિના સુધી સરકારી વિભાગના 60% વાહનો રસ્તા પરથી દૂર રહેશે. આર્થિક બોજ ઘટાડવા માટે વડાપ્રધાને અન્ય મહત્વના નિર્ણયો પણ જાહેર કર્યા છે
- કેબિનેટ સભ્યો, મંત્રીઓ અને સલાહકારોને આગામી 2 મહિના સુધી પગાર આપવામાં આવશે નહીં.
- સાંસદોના પગારમાં 25% નો ઘટાડો કરવામાં આવ્યો છે.
- ₹300,000 થી વધુ પગાર ધરાવતા ગ્રેડ 20 થી ઉપરના અધિકારીઓના પગારમાં બે દિવસનો કાપ મૂકવામાં આવશે.
વૈશ્વિક તેલના ભાવ અને પાકિસ્તાનની નિર્ભરતા
વડાપ્રધાન શરીફે ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અચાનક $100 ને વટાવી ગયા છે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન ખાડી દેશોમાંથી તેલની આયાત પર નિર્ભર છે અને વૈશ્વિક કિંમતો પર દેશનું કોઈ નિયંત્રણ નથી. તેમણે જનતાને ખાતરી આપી હતી કે સરકાર ભારે હૃદયે પેટ્રોલના ભાવ વધારી રહી છે જેથી અર્થતંત્રને સ્થિર કરી શકાય.
