Loading...

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ: અફધાનિસ્તાનની સૈન્ય તાકાત શું છે અને હથિાયાર ક્યાંથી આવ્યા છે તે જાણો

આંકડાકીય રીતે જોતા પાકિસ્તાનનું સૈન્ય પલ્લું ઘણું ભારે છે. પાકિસ્તાન પાસે કુલ 6,60,000 સક્રિય સૈનિકો છે, જ્યારે અફઘાનિસ્તાન પાસે માત્ર 1,72,000 સૈનિકો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 18 Mar 2026 02:13 PM (IST)Updated: Wed 18 Mar 2026 02:13 PM (IST)
war-like-situation-between-pakistan-and-afghanistan-know-what-is-military-strength-of-afghanistan-and-where-weapons-came-from-710542

Pakistan Afghanistan War: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત સ્ફોટક વળાંક પર પહોંચ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હવાની વાત કરી છે. તાજેતરમાં કાબુલની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 400 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેના પગલે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની કડક ચેતવણી આપી છે.

જાનહાનિના આંકડા અને દાવા

યુદ્ધના મેદાનમાં બંને પક્ષો દ્વારા મોટા પાયે નુકસાન થયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ 230 અફઘાની લડવૈયાઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ અફઘાન તાલિબાને 55 થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનું જણાવ્યું છે. અફઘાન ડ્રોન્સે પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફની ઓફિસથી માત્ર 5 કિલોમીટર દૂર બોમ્બ ધડાકા કરીને પાકિસ્તાની શાસકોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

સૈન્ય તાકાતની સરખામણી

આંકડાકીય રીતે જોતા પાકિસ્તાનનું સૈન્ય પલ્લું ઘણું ભારે છે. પાકિસ્તાન પાસે કુલ 6,60,000 સક્રિય સૈનિકો છે, જ્યારે અફઘાનિસ્તાન પાસે માત્ર 1,72,000 સૈનિકો છે. વાયુસેનાની વાત કરીએ તો પાકિસ્તાન પાસે 465 લડાયક વિમાનો અને 260 થી વધુ હેલિકોપ્ટર છે, જ્યારે અફઘાનિસ્તાન પાસે મજબૂત વાયુસેનાનો અભાવ છે. સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે જેની પાસે અંદાજે 170 પરમાણુ વોરહેડ્સ છે, જ્યારે અફઘાનિસ્તાન પાસે આવા કોઈ હથિયારો નથી.

તાલિબાન પાસે હથિયારો ક્યાંથી આવ્યા?

અફઘાનિસ્તાનની વર્તમાન સૈન્ય શક્તિનો મોટો હિસ્સો અમેરિકા અને નાટો સેના દ્વારા 2021 માં પાછળ છોડવામાં આવેલા હથિયારો છે. તાલિબાને અંદાજે 7.1 અબજ ડોલરના સૈન્ય ઉપકરણો પર કબજો કર્યો હતો, જેમાં M4 અને M16 રાઈફલ્સ, હમ્વી બખ્તરબંધ વાહનો અને અત્યાધુનિક નાઈટ વિઝન ઉપકરણો સામેલ છે. આ ઉપરાંત, તેમની પાસે સોવિયત યુગની AK-47 અને ટેન્કોનો પણ મોટો ભંડાર છે.

અફઘાનિસ્તાન કેમ જીતવું મુશ્કેલ છે?

ઇતિહાસ સાક્ષી છે કે સોવિયત યુનિયન અને અમેરિકા જેવી મહાસત્તાઓ પણ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ વિજય મેળવી શકી નથી. અફઘાન લડવૈયાઓની ખરી તાકાત તેમની ભૌગોલિક સ્થિતિ અને 'ગોરિલા યુદ્ધ' (ગેરિલા વોરફેર) કરવાની પદ્ધતિમાં રહેલી છે. પહાડી વિસ્તારોમાં આધુનિક જેટ વિમાનોની અસર ઓછી થઈ જાય છે, જ્યાં તાલિબાની લડવૈયાઓ ઘાત લગાવીને હુમલો કરવામાં અને હિટ-એન્ડ-રન વ્યૂહરચનામાં માહિર છે.

વર્તમાન સ્થિતિ જોતા, જો આ સંઘર્ષ લાંબો ખેંચાય તો પાકિસ્તાન માટે તેની આધુનિક સેના હોવા છતાં અફઘાનિસ્તાનના પહાડી પ્રદેશોમાં લડવું ઘણું મોંઘું સાબિત થઈ શકે છે.