Donald Trump vs Giorgia Meloni: આંતરરાષ્ટ્રીય રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન પર આકરો પલટવાર કર્યો છે. મેલોનીએ ટ્રમ્પ પર સનસનાટીપૂર્ણ અને મનઘડંત વાર્તા બનાવવાનો સીધો આરોપ લગાવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ ફ્રાન્સમાં યોજાયેલી જી7 (G7) શિખર સંમેલનની બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇટાલીની ટીવી ચેનલ La7ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે જી7 સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે ખૂબ જ આતુર હતા અને તેમણે ફોટો ખેંચાવવા માટે એક પ્રકારે ભીખ માંગી હતી. ટ્રમ્પે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે કદાચ મેલોની એ વાતથી ખૂબ ખુશ હતા કે મેં શિખર સંમેલનમાં તેમની સાથે વાતચીત કરી.
મેલોનીએ સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરી આપ્યો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ઇટાલીના વડાપ્રધાને સરેઆમ ફગાવી દીધો છે. જ્યોર્જિયા મેલોનીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડિયો સંદેશ જાહેર કરીને અમેરિકી રાષ્ટ્રપતિને જડબાતોડ જવાબ આપ્યો છે.
મેલોનીએ ટ્રમ્પના ફોટો વાળા દાવા પર આકરા શબ્દોમાં કહ્યું- અમેરિકી રાષ્ટ્રપતિએ એક વાત બરાબર યાદ રાખવી જોઈએ, ન તો હું ક્યારેય કોઈની સામે કરગરી છું અને ન તો ઇટાલી ક્યારેય કોઈની સામે ઝૂક્યું કે ભીખ માંગે છે.
રાજદ્વારી સંબંધોમાં તિરાડના સંકેત
આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકા અને ઇટાલીને અત્યાર સુધી ખૂબ જ નજીકના અને મજબૂત રાજકીય સાથી માનવામાં આવતા હતા. પરંતુ બંને ટોચના નેતાઓ વચ્ચે જાહેરમાં શરૂ થયેલી આ શબ્દયુદ્ધ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સર્જાયેલા મતભેદોને સ્પષ્ટપણે દર્શાવે છે.
અહીં નોંધનીય છે કે, વર્ષ 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ તરીકેનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, ત્યારે જ્યોર્જિયા મેલોની એકમાત્ર એવા યુરોપિયન નેતા હતા જેઓ તે સમારોહમાં રૂબરૂ હાજર રહ્યા હતા. લાંબા સમયથી મેલોનીને સમગ્ર યુરોપમાં ટ્રમ્પના સૌથી મજબૂત અને વફાદાર સમર્થકોમાંના એક ગણવામાં આવતા હતા, પરંતુ આ વિવાદે હવે બંને મિત્રો વચ્ચે અંતર વધારી દીધું હોય તેમ લાગી રહ્યું છે.
