World most luxurious plane US President Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જૂના રાષ્ટ્રપતિ વિમાનને વિદાય આપ્યાના ગણતરીના કલાકોમાં જ એક મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે કતારના ગલ્ફ અમીરાત દ્વારા ભેટમાં આપવામાં આવેલા $400 મિલિયન (આશરે 3,300 કરોડ રૂપિયાથી વધુ) ના આલીશાન બોઇંગ 747 વિમાનને સત્તાવાર રીતે તેમના નવા કામચલાઉ 'એરફોર્સ વન' (Air Force One) તરીકે નિયુક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વિમાનની ભવ્યતાને બિરદાવતા તેને "વિશ્વનું સૌથી વૈભવી વિમાન" ગણાવ્યું છે. આગામી મહિનામાં તુર્કીના અંકારા ખાતે યોજાનારી નાટો (NATO) સમિટમાં ટ્રમ્પ આ જ નવા વિમાનમાં સવાર થઈને જશે.
જાજરમાન અનાવરણ અને ભવ્ય લુક
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે આવેલા એક વિશેષ હેંગરમાં આ વિમાનનું ભવ્ય અનાવરણ કર્યું હતું. આ વિમાનને અમેરિકી સાર્વભૌમત્વ અને શાહી લુક આપવા માટે લાલ, સફેદ, ઘેરા વાદળી અને સોનાના રંગથી સજાવવામાં આવ્યું છે. આ વિમાન 2027-28 માં અપેક્ષિત આગામી પેઢીના સત્તાવાર રાષ્ટ્રપતિ વિમાન (VC-25B) ના આગમન સુધી રાષ્ટ્રપતિની તમામ હવાઈ મુસાફરીની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
The US Air Force is proud to deliver the VC-25B Bridge aircraft to the @POTUS.
More info: https://t.co/xhurcI0mjL https://t.co/wwpB3Mzaby
મોંઘી ભેટને કારણે અમેરિકામાં રાજકીય વિવાદ
આ ભવ્ય વિમાન અમેરિકી પ્રમુખના કાફલામાં સામેલ થતાં જ ત્યાં રાજકીય વિવાદો અને ટીકાઓનો દોર શરૂ થઈ ગયો છે. અમેરિકન કાયદા અને નિયમો અનુસાર, એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ વિદેશી સ્ત્રોત તરફથી અવાંછિત ભેટ સ્વીકારવાની મહત્તમ મર્યાદા માત્ર $50 નક્કી કરવામાં આવી છે, જ્યારે આ વિમાનની કિંમત અબજોમાં છે. જોકે, પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે આ પગલાનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે, સંરક્ષણ સચિવે તમામ ફેડરલ નિયમો અને કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીને જ કતાર તરફથી આ બોઇંગ 747 સ્વીકાર્યું છે.
ટ્રમ્પનો બચાવ અને રૂપાંતર ખર્ચનો અંદાજ
પોતાના આ નિર્ણય પર થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતા પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, આવી અદ્ભુત ઓફરને નકારી કાઢવી એ મૂર્ખામી ગણાશે. તેમણે કતારના અમીરનો આભાર માનતા કહ્યું કે, તેઓ એક શાનદાર વ્યક્તિ છે. અન્ય દેશોના વિદેશી નેતાઓ પાસે આપણા કરતા નવા અને સારા વિમાનો છે, જે પરિસ્થિતિ થોડી હાસ્યાસ્પદ લાગતી હતી, તેથી વિદેશી કાફલા સાથે તાલમેલ રાખવા આ જરૂરી હતું.
દરમિયાન, ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ભલે આ વિમાન ભેટમાં મળ્યું હોય, પરંતુ તેને યુએસ પ્રમુખની કડક સુરક્ષા જરૂરિયાતો મુજબ સંપૂર્ણપણે સુરક્ષિત વિમાનમાં રૂપાંતરિત કરવાનો ખર્ચ આશરે $1 બિલિયન (અંદાજે 8,300 કરોડ રૂપિયા) થશે. વાયુસેનાના મુખ્ય બે રિપ્લેસમેન્ટ વિમાનોની ડિલિવરીમાં વિલંબ થવાને કારણે મૂળ પ્રોજેક્ટ બજેટ પણ $3.7 બિલિયનથી વધીને $5 બિલિયન થઈ ગયું છે, જેના કારણે આ વિમાનનો ઉપયોગ હાલ પૂરતો કામચલાઉ વ્યવસ્થા (Stopgap Measure) તરીકે કરવામાં આવી રહ્યો છે.
