Hormuz Strait: મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો જોખમમાં મુકાયો છે. આવી કટોકટીની સ્થિતિમાં દરિયાઈ પરિવહન માટે એક નવો 'સેફ પેસેજ' મળી આવ્યો છે, જે ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે આશાનું કિરણ બન્યો છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર કરવામાં આવેલી નાકાબંધી વચ્ચે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ માટે અત્યંત આશ્વાસન આપનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાની બાજુના જોખમી માર્ગને બાયપાસ કરીને ઓમાનની પ્રાદેશિક દરિયાઈ મર્યાદામાં એક નવો સલામત માર્ગ શોધી કાઢવામાં આવ્યો છે. આ નવા જળમાર્ગ પરથી એક ભારતીય કાર્ગો જહાજ સહિત ચાર મોટા જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે, જે તેલ અને ગેસના પુરવઠા માટે મોટી રાહત સમાન છે.
હોર્મુઝની નાકાબંધી અને ઓમાનનો વિકલ્પ
વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ માર્ગ પર કડક નિયંત્રણો લાદતા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, સેટેલાઇટ છબીઓ અને AIS (Automatic Identification System) ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે ઓમાનની દરિયાઈ સીમામાં એક એવો આંતરરાષ્ટ્રીય માર્ગ ઓળખાયો છે જે સંપૂર્ણપણે સલામત છે.

ભારતીય જહાજ 'MSV કુબા' સહિત 4 જહાજોનો સફળ પ્રવાસ
મેરીટાઇમ એનાલિટિક્સ ફર્મ 'ટેન્કરટ્રેકર્સ' ના અહેવાલ મુજબ, નીચે મુજબના ચાર મોટા જહાજોએ આ નવા માર્ગનો ઉપયોગ કર્યો છે:
- 1) MSV કુબા (MNV 2183): ભારતીય ધ્વજ ધરાવતું આ કાર્ગો જહાજ 31 માર્ચના રોજ દુબઈથી રવાના થયું હતું. તે ઓમાનના દિબ્બા દરિયાકાંઠેથી 40 કિમી દૂર સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે.
- 2) સોહર (Sohar): પનામાનો ધ્વજ ધરાવતું આ LNG વાહક જહાજ પણ આ માર્ગે પસાર થયું છે.
- 3) હબ્રુત અને ધાલકૂટ: માર્શલ ટાપુઓના ધ્વજવાળા આ બંને 'વેરી લાર્જ ક્રૂડ કેરિયર્સ' (VLCCs) છે. આ જહાજો સાઉદી અરેબિયા અને UAE માંથી આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈને નીકળ્યા છે.
આ ત્રણેય જહાજો 3 એપ્રિલના રોજ મસ્કતના દરિયાકાંઠેથી આશરે 350 કિલોમીટર દૂર જોવા મળ્યા હતા, જે સાબિત કરે છે કે ઓમાનનો આ માર્ગ મોટા જહાજો માટે અનુકૂળ છે.
વૈશ્વિક અર્થતંત્ર પર શું થશે અસર?
આ નવો માર્ગ માત્ર જહાજોને ઈરાની હુમલાઓ કે જપ્તીથી જ નથી બચાવતો, પરંતુ તે વૈશ્વિક શિપિંગ પર વધતા દબાણને ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. જો આ માર્ગ લાંબા ગાળા માટે નિયમિત ઉપયોગમાં લેવાય, તો તેલ અને ગેસના પુરવઠા પર થતી પ્રતિકૂળ અસરો ઘણી ઓછી થઈ શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ માર્ગનો કાયમી ઉપયોગ થઈ શકશે કે નહીં તે ભવિષ્યની રાજકીય સ્થિતિ પર નિર્ભર રહેશે.
