Hormuz Strait Open: ઈરાને ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન અને ઈરાક જેવા મિત્ર દેશોના કોમર્શિયલ જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ અંગે માહિતી આપી હતી. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીને બંધ કરી દીધા બાદ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલ તથા ગેસની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહીછે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઓમાની ખાડી વચ્ચે એક સાંકડો નોકાવહનનો માર્ગ છે,જે વિશ્વના આશરે 20 ટકા ક્રુડ ઓઈલ અને LNGનું પરિવહન થાય છે. પશ્ચિમ એશિયા, ભારતની ઊર્જાની ખરીદીનો એક મહત્વનો સ્રોત છે.
ઈરાનના સરકારી ટેલિવિઝનની માહિતી પ્રમાણે અરાઘચીએ કહ્યું છે કે અમે કેટલાક એવા દેશોન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર કરવાની મંજૂરી આપી છે કે જેમને અમે મિત્ર દેશો માની છીએ. અમે ચીન, રશિયા, ભારત, ઈરાક, પાકિસ્તાનને આ મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ મંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે ઈરાનના દુશ્મનોને આ જળમાર્ગોમાંથી પસાર થવા માટે કોઈ જ મંજૂરી આપવામાં આવશે નહીં. અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. આ વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર બની ગયું છે અને દુશ્મનો અને તેમના સહયોગીઓના જહાજોને તેમાંથી પસાર થવા માટે મંજૂરી આપવાનું કોઈ જ કારણ નથી.
હોર્મુઝમાં ફસાયેલા 20 ભારતીય જહાજો માટે રસ્તો સાફ છે
અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ ઈરાન સંઘર્ષ વચ્ચે, ભારત સરકારે ગયા મંગળવારે હોર્મુઝમાં ફસાયેલા ભારતીય જહાજો વિશે માહિતી શેર કરી હતી. શિપિંગ, જળમાર્ગ અને બંદરો મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે 20 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ બાજુએ છે, જે આ અવરોધને પાર કરવા માટે તૈયાર છે. હવે, ઈરાન દ્વારા ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવતા, આ ફસાયેલા જહાજો ભારત પાછા ફરી શકે છે, જે દેશની તેલ અને ગેસની અછતને દૂર કરવામાં મદદ કરશે.
