Donald Trump News: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વહેલી સવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેહરાનમાં કરવામાં આવેલા એક ભીષણ હુમલામાં ઈરાનના અનેક ઉચ્ચ સ્તરીય લશ્કરી નેતાઓ માર્યા ગયા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેહરાનમાં થઈ રહેલા વિસ્ફોટોના વીડિયો ફૂટેજ પણ શેર કર્યા છે, જે ઈરાની સૈન્ય શક્તિને પહોંચેલા મોટા ફટકા તરફ ઈશારો કરે છે.
ટ્રમ્પની ચેતવણી અને તેહરાનમાં વિસ્ફોટ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હુમલાને ઈરાનની હઠધર્મીનું પરિણામ ગણાવ્યું છે. તેમણે અગાઉ જ ઈરાનને સોદો કરવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો કોઈ સમજૂતી નહીં થાય તો "ભયંકર પરિણામો" આવશે. ટ્રમ્પે વીડિયો શેર કરતા લખ્યું કે, "ઈરાની સૈન્ય નેતૃત્વ ખતમ થઈ ગયું છે." જોકે, આ હુમલામાં કયા હથિયારોનો ઉપયોગ થયો કે ચોક્કસ કયા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા તે અંગે હજુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
Many of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) April 4, 2026
(TS: 04 Apr 16:37 ET)… pic.twitter.com/tD59eIoVVY
ઈરાનનો વળતો પ્રહાર: "આખો પ્રદેશ નરક બનશે"
બીજી તરફ, તેહરાને આ હુમલા બાદ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું છે કે જો અમેરિકા અને ઈઝરાયલ આ રીતે હુમલા ચાલુ રાખશે, તો તેઓ સમગ્ર મધ્ય પૂર્વને "નરક" માં ફેરવી નાખશે. શનિવારે રાત્રે જ ઈરાને ઈઝરાયલ, ઈરાક અને અન્ય ખાડી દેશો પર મિસાઈલોનો બીજો રાઉન્ડ છોડ્યો હતો. આ હુમલાઓમાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલો છે.
ગુમ થયેલા અમેરિકી પાયલટ માટે રેસ્ક્યુ ઓપરેશન
શુક્રવારે દક્ષિણ ઈરાન ઉપર અમેરિકાનું એફ-15 (F-15) ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ ચરમસીમાએ છે. આ વિમાનના બે ક્રૂ મેમ્બર પૈકી એકને બચાવી લેવાયો છે, જ્યારે બીજો હજુ પણ ગુમ છે. અમેરિકી દળો તેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. દરમિયાન, શોધખોળમાં લાગેલા અન્ય એક અમેરિકી એ-10 (A-10) વોર્થોગ વિમાન પર પણ ઈરાને હુમલો કર્યો હતો, જોકે તેનો પાયલટ સુરક્ષિત છે. ઈરાને ગુમ પાયલટને જીવતો પકડનાર માટે ઈનામની જાહેરાત કરી છે.
વૈશ્વિક અર્થતંત્ર અને નાગરિકો પર અસર
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંયુક્ત હુમલાઓમાં અત્યાર સુધી હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને મુખ્ય દરિયાઈ જળમાર્ગો ખોરવાઈ ગયા છે. બંને પક્ષો દ્વારા નાગરિક વિસ્તારો પર કરવામાં આવતા હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયે 'યુદ્ધ ગુના' (War Crimes) અંગે ચેતવણી આપી છે
