Bangladesh US trade deal: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલા વેપાર કરાર બાદ દક્ષિણ એશિયાના રાજકારણમાં અને વેપાર જગતમાં મોટી હલચલ મચી છે. અમેરિકાએ ભારતીય માલ પર ટેરિફ ઘટાડીને 18% કરી દેતા બાંગ્લાદેશને પોતાના સૌથી મોટા બજાર (અમેરિકા) માં હિસ્સો ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા બાંગ્લાદેશની વચગાળાની સરકાર 9 ફેબ્રુઆરીએ અમેરિકા સાથે ઉતાવળે વેપાર કરાર કરવા જઈ રહી છે.
ચૂંટણી પહેલા ઉતાવળે લેવાયેલો નિર્ણય
બાંગ્લાદેશમાં આગામી 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. લોકશાહી ઢબે નવી સરકાર રચાય તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર આ કરાર પર હસ્તાક્ષર કરી રહી છે. આટલા મહત્વના કરારને ગુપ્ત રાખવા બદલ અને ઉતાવળે નિર્ણય લેવા બદલ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કરારની મુખ્ય કડીઓ અને ‘ગુપ્ત’ શરતો
બાંગ્લાદેશે અમેરિકા સાથે એક 'બિન-જાહેરાત કરાર' (NDA) કર્યો છે, જેના કારણે આ કરારની વિગતો જાહેર જનતા કે સંસદ સમક્ષ મૂકવામાં આવી નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાએ આ કરારમાં કેટલીક આકરી શરતો લાદી છે:
- ચીન પર નિર્ભરતા ઘટાડવી: બાંગ્લાદેશે ચીન પાસેથી આયાત ઘટાડવી પડશે અને તેના બદલે અમેરિકા પાસેથી લશ્કરી સાધનોની ખરીદી વધારવી પડશે.
- અમેરિકન વાહનોને છૂટ: અમેરિકન વાહનો અને તેના સ્પેરપાર્ટ્સ કોઈપણ વિશેષ નિરીક્ષણ વિના બાંગ્લાદેશના બજારમાં પ્રવેશી શકશે.
- નિકાસમાં રાહત: બાંગ્લાદેશ પર લાદવામાં આવેલો ભારે ટેરિફ ઘટાડીને 15% કરવાની અપેક્ષા છે, જેથી તે ભારતીય નિકાસકારો સામે સ્પર્ધા કરી શકે.
ગારમેન્ટ ઉદ્યોગ પર જોખમ
બાંગ્લાદેશનું અર્થતંત્ર મુખ્યત્વે રેડીમેડ ગાર્મેન્ટ્સ (RMG) પર ટકેલું છે, જે તેની કુલ નિકાસના 90% હિસ્સો ધરાવે છે. જો ભારતને અમેરિકામાં વધુ સારી સુવિધા મળે, તો બાંગ્લાદેશનો આખો ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ છે. સેન્ટર ફોર પોલિસી ડાયલોગ (CPD) ના ફેલો દેબપ્રિયા ભટ્ટાચાર્યએ આ કરારની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા કહ્યું છે કે, બિનચૂંટાયેલી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો બોજ નવી ચૂંટાયેલી સરકાર પર આવશે. ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત થતા સંબંધો વચ્ચે બાંગ્લાદેશનો આ ‘સીક્રેટ ડીલ’ કરવાનો પ્રયાસ ક્ષેત્રીય ભૂ-રાજનીતિમાં પણ નવા વળાંકો લાવી શકે છે.
