Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના (Somnath Mahadev) ચરણોમાં કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) શીશ નમાવી મહાદેવના આશીર્વાદ પ્રપ્ત કર્યા હતા. આ અવસરે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરાયેલ વિશેષ રૂ. 25ની બિલ્વ પૂજામાં મોરારી બાપુએ પોતાની નોંધણી કરાવી હતી.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષોથી ભક્તોને સરળ અને સુલભ રીતે ભગવાન શિવની આરાધનાનો લાભ મળી રહે, તે હેતુસર વિશેષ બિલ્વ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આજદિન સુધીમાં દેશભરના 13 લાખથી વધુ ભક્ત પરિવારો આ પૂજાનો લાભ લઈ ચૂક્યા છે, જે ટ્રસ્ટની સેવાભાવી અને લોકહિતકારી પહેલનું ઉત્તમ ઉદાહરણ છે.
સોમનાથના વિસર્જન અને સર્જનની સ્વાભિમાનગાથાને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ઉજવાઈ રહ્યો છે. આ અમૃતકાળમાં દેશભરના ભક્તો મહાશિવરાત્રિના પાવન દિવસે પોતાના નામે શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.

આ વિશેષ પૂજામાં નોંધણી કરનાર ભક્તોના નામે મહાશિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે તેમજ તેમના સરનામે રુદ્રાક્ષ, ભસ્મ અને નમન પ્રસાદ ભારતીય પોસ્ટ મારફતે મોકલવામાં આવશે. ભક્તો ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ somnath.org મારફતે સરળતાથી નોંધણી કરી શકે છે.

આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા મોરારી બાપુને મહાદેવનું સ્મૃતિચિત્ર તથા પ્રસાદ અર્પણ કરી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

મોરારી બાપુએ જનજન સુધી સોમનાથ મહાદેવની પૂજાનો લાભ અને રુદ્રાક્ષ ભસ્મ અને નમનનો પ્રસાદ પહોંચાડવાના ટ્રસ્ટના અનુકરણીય પ્રયાસને સાધુવાદ આપ્યા હતા.
