Somvati Amavasya: સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર કાળ માનવામાં આવે છે. આ વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર ભક્તોના પ્રવાહથી ઉભરાઈ રહ્યું છે, જેમાં દૈનિક 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
માસિક શિવરાત્રિએ ગુંજ્યું 'હર હર મહાદેવ'
તાજેતરમાં આવેલી માસિક શિવરાત્રિના પાવન પર્વે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મધ્ય રાત્રિની મહાપૂજા, જ્યોત પૂજન અને ભવ્ય મહા આરતીના દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મધ્ય રાત્રિ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જળવાઈ રહ્યો હતો.

સોમવતી અમાસનું વિશેષ મહત્વ: લાખો યજ્ઞોનું ફળ
અધિક માસની પૂર્ણાહુતિ 15 જૂનના રોજ પવિત્ર 'સોમવતી અમાસ'ના દિવસે થઈ રહી છે. શાસ્ત્રોમાં આ દિવસનું અત્યંત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સ્કંદ મહાપુરાણના પ્રભાસ ખંડ (અધ્યાય 4, શ્લોક 120)માં ઉલ્લેખ છે કે:
આ પણ વાંચો
अमा सोमेन संयुक्ता कदाचिद्यदि लभ्यते
तस्या सोमेश्वरम द्रष्टवा कोटियज्ञफलं लभेत।।
(અર્થ: સોમવતી અમાવસ્યા પર સોમેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કરવાથી લાખો યજ્ઞો કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.)
આ પૌરાણિક મહત્વને કારણે જ સોમવતી અમાસે સોમનાથ તીર્થમાં ઐતિહાસિક સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવના છે.

ભક્તોની સુવિધા માટે ટ્રસ્ટ સજ્જ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 15 જૂનના રોજ પધારનારા લાખો ભક્તોની સુવિધા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓની સુરક્ષા, સુચારુ દર્શન વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ માટે ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી ભક્તો સરળતાથી મહાદેવના આશીર્વાદ મેળવી શકે.
સત્તાવાર વેબસાઇટ: https://somanath.org/
આ વેબસાઇટ પરથી તમે સોમનાથ મહાદેવના દર્શન, આરતીનો સમય, ઓનલાઈન પૂજા બુકિંગ અને અન્ય ટ્રસ્ટ સંબંધિત માહિતી મેળવી શકો છો.
