Loading...

Gir Somnath: ગીર સોમનાથમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, માત્ર 20 મિનિટમાં જળબંબાકાર

ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 03 Apr 2026 10:51 AM (IST)Updated: Fri 03 Apr 2026 11:05 AM (IST)
gir-somnath-veraval-unseasonal-rains-weather-forecast-for-saurashtra-720679
HIGHLIGHTS
  • ગીર સોમનાથમાં કમોસમી વરસાદ
  • 20 મિનિટમાં જળબંબાકાર સર્જાયો
  • પાટણ-વેરાવળમાં સૌથી વધુ વરસાદ

Gir Somnath unseasonal rain: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે 3 એપ્રિલ, શુક્રવારના રોજ વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યે ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણ અચાનક પલટાયું હતું.

નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે માત્ર 15 થી 20 મિનિટમાં જ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરતાં વાહનચાલકોને સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

પાટણ-વેરાવળમાં સૌથી વધુ વરસાદ

ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 3 એપ્રિલના રોજ સવારે 6:00 થી 8:0 કલાકના સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સત્તાવાર અહેવાલ મુજબ, માત્ર બે કલાકમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ તાલુકામાં 25 mm નોંધાયો છે. જ્યારે તાલાલા તાલુકામાં પણ છૂટોછવાયો 1 mm વરસાદ પડ્યો છે.

ખેડૂતોમાં વ્યાપી ચિંતા

આ કમોસમી વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીથી થોડી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ માવઠું આફત બનીને આવ્યું છે. ભારે પવન અને કરા પડવાની શક્યતાને કારણે તૈયાર થયેલા ઉનાળુ પાક અને ખાસ કરીને આંબાના બગીચામાં કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, અને રાજ્યમાં પવનની ગતિ 40 થી 70 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ, 10 થી 12 એપ્રિલ દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

આજે આ જિલ્લામાં આગાહી

આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 4 એપ્રિલ, 2026ના રોજ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.