Loading...

કોડીનાર પંથકમાં કમોસમી આફતઃ ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું; અનેક ગામોમાં રસ્તા પર પાણી વહેતા થયા

કેસર કેરી, ઘઉં અને ચણાના પાકને વ્યાપક નુકસાનની ભીતિ; જગતનો તાત મુકાયો સંકટમાં

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 02 Feb 2026 07:58 PM (IST)Updated: Mon 02 Feb 2026 08:01 PM (IST)
gir-somnath-news-unseasonal-heavy-rain-hits-kodinar-region-farmers-worried-over-crop-damage-684629
HIGHLIGHTS
  • શિયાળાની વિદાય વેળા અષાઢી માહોલથી જનજીવન પ્રભાવિત

Gir Somanth: ગુજરાતમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડતાં શિયાળુ પાક તેમજ આંબાના બગીચાઓમાં ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે.

કોડીનાર તાલુકાના સિંધાજ, ફાચરિયા, અરણેજ અને આનંદપુર સહિતના આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં નોંધાયા હતા, તો કેટલાક ગામોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભરશિયાળે અષાઢી માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે.

ગીર પંથક જે કેસર કેરી માટે પ્રખ્યાત છે, ત્યાં હાલ આંબા પર મોર (ફૂલ) આવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આવા સમયે વરસાદ પડતા આંબાના મોર ખરી પડવાની અને કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિથી બાગાયતદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે બપોર 1 કલાકે જારી કરવામાં આવેલા વેધર બુલેટિનમાં ગુજરાતના 8 જિલ્લામાં હળવાથી લઈને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ 5 મિલીમીટર પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ પડી શકે છે.