Gir Somnath: અવારનવાર વિવાદમાં આવતા તાલાલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદને તેમનો ભાજપ પરથી મોહભંગ થયો હોવાની ચર્ચાએ જન્મ આપ્યો છે.
હકીકતમાં ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ માનસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંબોધન કરતાં ભગવાન બારડે પોતાના કામ ના થવા દેવામાં આવતો હોવાનો દાવો કર્યો હતો.
મારા કામ અટકાવાયા, કહેશો તો રાજીનામું આપી દઈશ
ભગવાન બારડે સંબોધન કરતાં સમર્થકોને જણાવ્યું હતું કે, હું મારી રીતે કામ કરવા માટે ટેવાયેલો છે. જો કે મારા તમામ કામ અટકાવી દેવામાં આવી રહ્યા છે. આ લોકો કહેશે, તે કામ નહીં થાય. મને રાજનીતિમાં સત્તાનો મોહ નથી. અહીં હાજર 50 ટકા લોકો પણ કહેશે, તો હું રાજીનામું આપી દઈશ.
ઉલ્લેખનીય છે કે, ભગવાન બારડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોની ગેરહાજરી જોવા મળી હતી. આટલું જ નહીં, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પણ ગેરહાજર રહ્યા હતા.
2022માં જ ભગવાન બારડ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. અગાઉ પંચાયતની ચૂંટણી વખતે આહીર સમાજની જરૂર નથી તેવું નિવેદન આપીને ભગવાન બારડ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે.
હવે ભગવાન બારડે જાહેર મંચ પરથી નામ લીધા વિના ભાજપ નેતૃત્વ પર આડકતરી રીતે સવાલો ઉઠાવી દીધા છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, શું તેમને ભાજપથી મોહભંગ થઈ ગયો છે? તેમના નિવેદનના કારણે ભાજપ બેડામાં પણ સોંપો પડી ગયો છે.
