Gir Somnath News: ગુજરાતમાં સાયબર ક્રાઈમને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન મ્યુલ હંટ 2.0 અંતર્ગત કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગીર સોમનાથ સાયબર ક્રાઇમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે એક એવી ગેંગને ઝડપી લીધી છે. જે તેમના બેન્ક એકાઉન્ટ સાયબર અપરાધીઓને ભાડે આપીને કરોડો રુપિયાની છેતરપિંડીમાં મદદરુપ થતા હતા. સાયબર ક્રાઈમની તપાસમાં અંદાજિત 310 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે.
સાયબર ક્રાઈમે શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને જુનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં નેતૃત્વ હેઠળ સાયબર ક્રાઇમ પોલીસને ઓપરેશન મ્યુલ હંટ 2.0 હેઠળ વિશેષ કાર્યવાહી આદરી હતી. જેમાં NCCRP અને સમન્વય પોર્ટલ પર વિવિધ સાયબર છેતરપિંડીની ફરિયાદોની તપાસ કરીને સંદિગ્ધ બેન્ક એકાઉન્ટને શોધી કાઢ્યા હતા.
310 કરોડના વ્યવહારો ઝડપાયા
સાયબર પોલીસની તપાસમાં સામે આવ્યું કે, કેટલાક શખ્સો બેન્ક એકાઉન્ટ્સ સાયબર અપરાધીઓને ભાડે આપતા હતા. આવા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં થતા ઓનલાઇન ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હતો. તે બદલ ખાતાધારકોને કમિશન અપાતું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં SBIના એક ખાતામાં 193 ફરિયાદો સાથે સંકળાયેલ 282 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા.
આ પણ વાંચો
5 શખ્સોની કરાઈ અટકાયત
કેનરા બેન્કના ખાતામાંથી 97 ફરિયાદો સાથે સંકળાયેલા 37 કરોડના નાણાકીય વ્યવહારો સામે આવ્યા. આમ કુલ 290 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત 310 કરોડનું સાયબર ફ્રોડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ ગુનામાં પોલીસે હિરેન રાજગોર, આકાશ પાલા, અજય દાફડા, આશુતોષ ઠાકર અને દીપકગીરી અપરનાથી સહિતના 5 આરોપીઓને ઝડપી લીધા છે.
