Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં દુષ્કર્મની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક 13 વર્ષની માસૂમ બાળકી સાથે 30 વર્ષીય પરિણીત પુરુષે લલચાવી અને ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ હતું. જેના લીધે બાળકીને 18 અઠવાડિયાનો ગર્ભ રહી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
ગામના શખ્સે બાળકી સાથે દુષ્કર્મ કર્યુ
મળતી માહિતી મુજબ, ગીરસોમનાથના છેવાડાના ગામની બાળકી સાથે ગામના જ અશોક અરજણભાઈ પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી બાળકીને ઘરની આસપાસ એકલી જોઈને બોલાવતો હતો. બાળકીને લગ્નની લાલચ આપીને અવારનવાર કુકર્મ આચર્યું હતું. આરોપી પોતે પરીણિત છે.
પેટમાં દુખાવો ઉપડતા હકીકત બહાર આવી
બાળકી સુરતમાં મામાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. જયાં બાળકીને પેટમાં દુખાવો ઉપડતા મામા-મામી તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તબીબી પરીક્ષણ થતાં સમગ્ર હકીકત બહાર આવી. બાળકીને 18 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો. મામાએ બાળકીના માતા-પિતાને વાત જણાવતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાળકીને આ બાબતે પૂછપરછ કરતા તેણે સઘળી હકીકત જણાવી હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ માતાએ સુરતના વરાછામાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સુરત પોલીસે ઝીરો નંબરથી આરોપી અશોક સામે એફઆઈઆર નોંધીને કેસ ઉના પોલીસને ટ્રાન્સફર કર્યો હતો.
આરોપી વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો દાખલ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લીધો હતો. તેમજ બાળકીનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર ગુના અંગે ઉનાના ડીવાયએસપી એમ.એફ ચૌધરીના જણાવ્યા મુજબ, સુરતના વરાછા પોલીસ મથકમાં ઝીરો નંબરની ફરિયાદ ઉના પોલીસને મળી છે. બાળકી સગીર છે. આરોપી યુવકે દુષ્કર્મ આચરતા બાળકીને ગર્ભ રહી ગયો છે. આ બાબતે ઉના પોલીસે આરોપી અશોક પરમાર સામે બીએનએસ અને પોક્સોની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
