Gir Somnath News: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. એમાં પણ ગઈકાલે તો ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસું બેસી ગયો હોય, તેમ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જો કે આજે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
હકીકતમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જોઈએ તો, આજે વહેલી સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન માત્ર ગીર સોમનાથ જિલ્લામાં જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. જેમાં પણ ગીર ગઢડા અને ઉના તાલુકામાં જ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો
આજે સૌથી વધુ 66 મિ.મી (2.6 ઈંચ) વરસાદ ગીર ગઢડા તાલુકામાં ખાબક્યો છે. જ્યારે ઉના તાલુકામાં 11 મિ.મી વરસાદ નોંધાયો છે. ખાસ વાત એ છે કે, આ બન્ને તાલુકામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે 2 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જે બાદ વીતેલા 4 કલાકમાં જ આટલો વરસાદ પડ્યો છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આજે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટાને લઈને ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
