Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે માનવતાને શરમાવે તેવી અને લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ પોતાની જ બહેનને પ્રેમલગ્નની લાલચ આપી મનઘડત કાવતરું રચી તેની કરપીણ હત્યા કરી નાખી છે. પોલીસે 7 દિવસની સઘન તપાસ બાદ આ રહસ્યમય ઘટના પરથી પડદો ઉંચકી બંને નરાધમ ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
મૃતક 25 વર્ષીય મનસુબેન ગોહિલ માતા-પિતાના અવસાન બાદ એકલા રહેતા હતા અને વારસામાં મળેલી 12 વીઘા જમીનના એકમાત્ર વારસદાર હતા. મનસુબેનને ગામના જ સતુભાઈ સાથે પ્રેમસંબંધ હતો.
આ મિલકત પર નજર બગાડી બેઠેલા પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલને આ સંબંધ મંજૂર નહોતો, પરંતુ જમીન પચાવવા તેમણે અલગ જ ચાલ ચાલી. વિક્રમે બહેનને વિશ્વાસમાં લીધી કે, તે તેના લગ્ન સતુ સાથે કરાવી આપશે અને બદલામાં ભોળી બહેને અડધી જમીન વિક્રમના નામે પણ કરી આપી હતી.
ગત 20મી તારીખે લગ્નની વાત કરવાના બહાને વિક્રમ મનસુબેનને બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં વિક્રમ અને મનુએ રાક્ષસી વૃત્તિ દાખવી મનસુબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
આટલું જ નહીં, હત્યાને અંજામ આપ્યા બાદ પાપ છુપાવવા ભાઈઓએ 'હાર્ટ એટેક'નું નાટક રચ્યું હતું. ગ્રામજનો કે અન્ય સગા-સંબંધીઓને જાણ કર્યા વગર જ, ગણતરીના 7-8 લોકોની હાજરીમાં ટ્રેક્ટરમાં લાશ લઈ તેઓ ઉના સ્મશાને પહોંચ્યા હતા અને માત્ર અડધા કલાકમાં અંતિમ સંસ્કાર પતાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
