Loading...

ગીર સોમનાથમાં ખેડૂતો પર કુદરત રૂઠીઃ કમોસમી વરસાદથી કેસર કેરીના પાક પર તોળાતું જોખમ, આકાશમાંથી વીજળી પડતાં 3 યુવતીઓ દાઝી

હરમડીયા ગામનો સંપર્ક તૂટ્યો. કોઝવે પર પાણી ફરવા છતાં લોકો જીવના જોખમે કોઝવે પાર કરતાં જોવા મળ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 20 Mar 2026 08:32 PM (IST)Updated: Fri 20 Mar 2026 08:32 PM (IST)
gir-somnath-news-kesar-mango-crop-at-risk-3-girls-injured-by-lightning-712179
HIGHLIGHTS
  • ગીરગઢડાના વેળાકોટના વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકી

Gir Somnath: હવામાન વિભાગની આગાહી ગીર સોમનાથ જિલ્લા માટે આફત બનીને આવી છે. ગઈકાલ સાંજથી ફૂંકાયેલા ઠંડા પવન બાદ આજે ગીરગઢડા અને ઉના પંથકમાં કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે કમોસમી વરસાદે તાંડવ મચાવ્યું હતું.

ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે વેળાકોટ ગામે વીજળી પડવાની ઘટનામાં ત્રણ યુવતીઓ ઈજાગ્રસ્ત થતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગીરગઢડાના વેળાકોટ ગામે વાડી વિસ્તારમાં રહેતા જોરુભાઈ કરસનભાઈ મોરાશિયાની વાડીમાં ઘર આંગણે અચાનક વીજળી ત્રાટકી હતી. આ દુર્ઘટનામાં ત્યાં હાજર ત્રણ યુવતીઓ દાઝી ગઈ હતી.

ઈજાગ્રસ્તોમાં જલ્પાબેન રામસિંગભાઈ ખાડિયા, કડવીબેન ધીરુભાઈ મોરાશિયા અને જિજ્ઞાબેન રામજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય બહેનોને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જેમાં એક બહેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદનું જોર એટલું વધારે હતું કે, ગીરગઢડાના સનવાવ ગામની રૂપેણ નદી અને એભલવડ ગામની શાગાવાડી નદીમાં ભરઉનાળે પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. નદીઓ બે કાંઠે વહેતી થતા હરમડીયા ગામને જોડતા બેઠા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. સંપર્ક તૂટવા છતાં અનેક લોકો જીવના જોખમે કોઝવે પાર કરતા જોવા મળ્યા હતા. હરમડીયા ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ કમોસમી વરસાદે ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચા માલિકોની ઊંઘ હરામ કરી દીધી છે. કેરીના સારા ભાવની આશાએ બેઠેલા ખેડૂતોના તૈયાર પાકને આ વરસાદથી વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. કેરી ઉપરાંત ઉનાળુ બાજરી અને અન્ય પાકોમાં પણ નુકસાનના અહેવાલો મળી રહ્યા છે. જગતનો તાત હવે કુદરત સામે લાચાર જણાઈ રહ્યો છે.

ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને બફારાથી હેરાન થતા લોકોને વરસાદના આગમનથી રાહત મળી હતી. બાળકો રસ્તા પર કમોસમી વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા, પરંતુ ખેતીવાડી ક્ષેત્રે આ વરસાદ 'આફત' સમાન સાબિત થયો છે. જરગલી અને સનવાવ જેવા ગામોમાં હજુ પણ મેઘી માહોલ જામ્યો છે.