Gir Somnath: ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે કુદરતનો એક અનોખો અને રસાકસીભર્યો સંઘર્ષ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સિંહ સામે આવતા જ પશુઓ ફફડી ઉઠતા હોય છે, પરંતુ અહીં એક એકલવીર ગાયે અદમ્ય હિંમત દાખવી બે સિંહણોને શિકાર કર્યા વગર જ પરત ફરવા મજબૂર કરી દીધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વહેલી સવારે જ્યારે એક ગાય પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક શિકારની શોધમાં આવેલી એક સિંહણ તેની સામે આવી ચડી હતી. ગાય ડરવાને બદલે મક્કમતાથી ઊભી રહી હતી. આ દરમિયાન બીજી સિંહણ પણ ત્યાં પહોંચી હતી.
બે સિંહણો સામે એકલી ગાયનો શિકાર નિશ્ચિત જણાતો હતો, પરંતુ ગાયે હિંમત હાર્યા વગર પોતાના શિંગડા બતાવી વળતો પ્રહાર શરૂ કર્યો હતો. ગાયના આક્રમક મિજાજને જોઈ બંને સિંહણો લાચાર બની હતી અને અંતે શિકાર જતો કરી જંગલ તરફ રવાના થઈ હતી.
આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવડિયાના ફાર્મ હાઉસ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. બીજી તરફ દીવના નાગવા રોડ પર એરપોર્ટ નજીક પણ મોડી રાત્રે એક સિંહણ લટાર મારતી જોવા મળી હતી, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
