Veraval News: ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ યોજી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વહીવટી તંત્રની સજ્જતા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી સંબંધિત તૈયારીઓની વિગતો પત્રકારોને આપી હતી. આ સાથે જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરુ થઈ ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 બેઠકો અને 4 નગરપાલિકાના 32 વોર્ડની 128 બેઠકો મળી અને કુલ 256 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
જિલ્લા-તાલુકા પંચાયત અંતર્ગત વેરાવળમાં કુલ 1,18,970, તાલાલામાં 84,822, સૂત્રાપાડામાં 97,324, કોડીનારમાં 1,44,167, ઉનામાં 1,67,325 અને ગીરગઢડામાં 99,380 મતદારો નોંધાયા છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં વેરાવળમાં 1,33,921, તાલાલામાં 15,053, સૂત્રાપાડામાં 16,114, ઉનામાં 41,820 મળી કુલ 2,06,908 મતદારો નોંધાયા છે.
જિલ્લા-તાલુકા પંચાયતની વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, 815 મતદાન મથકો પર 18 ચૂંટણી અધિકારીઓ, 24 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 94 ઝોનલ-મદદનીશ ઝોનલ ઓફિસરઓ સહિત 4,485 પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. 76 માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલિમ આપવામાં આવી છે. આ ચૂંટણી માટે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર, ઈ.વી.એમ સ્ટ્રોંગરુમ તથા મતગણતરી કેન્દ્ર પણ નક્કી કરવામાં આવ્યાં છે.
નગરપાલિકા અંતર્ગતની વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, 195 મતદાન મથકો પર 4 ચૂંટણી અધિકારીઓ, 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 22 ઝોનલ-મદદનીશ ઝોનલ ઓફિસરઓ સહિત 1,073 પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. 26 માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલીમ આપવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણી માટે વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા અને ઉના ખાતે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર, ઈ.વી.એમ સ્ટ્રોંગરુમ તથા મતગણતરી કેન્દ્ર પણ નક્કી કરવામાં આવ્યાં છે.
ઉમેદવારોના ચૂંટણી માટેના ખર્ચની મર્યાદા વિશે કલેક્ટરએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવારો માટે રુ. 6 લાખ, તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રુ. 3 તેમજ એક થી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. 2.25 લાખ અને નવ વોર્ડ થી વધુ માટે દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. 3.50 લાખ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તા. 6 એપ્રિલ તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. 11 એપ્રિલ, ઉમેદવારી પત્ર ચકાસણી માટે તા.13 એપ્રિલ તેમજ ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તા. 15 એપ્રિલ રહેશે. તા.26 એપ્રિલના રોજ સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી મતદાન યોજાશે અને તા.28 એપ્રિલના રોજ મતગણતરી યોજાશે.
ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ નિર્ધારીત ડિપોઝિટ અને ફોર્મ ફી ભરી નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની લોકો લોકશાહીના આ અવસરમાં પોતાની પવિત્ર ફરજ બજાવે એવી કલેક્ટરએ જિલ્લાના મતદારોને અપીલ કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ ; કંટ્રોલરુમના નંબર જાહેર કરાયાં
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની આગેવાનીમાં તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ, હથિયારો, બેનર્સ-કટઆઉટ નિયમન, મતદાન મથક-મતગણતરી કેન્દ્ર અંતર્ગતની પ્રવૃત્તિઓ સહિત ચૂંટણી સંબંધિત 13 જાહેરનામા અમલમાં મૂકવામાં આવ્યા છે.
ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે જિલ્લાકક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ આદર્શ આચારસંહિતાની ટીમની રચના કરી અને આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરએ સૂચના આપી છે.
ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ જરુરી હોવાથી જિલ્લાકક્ષાએ કંટ્રોલ રુમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આચારસંહિતાના અમલીકરણ અંગે નાગરિકો કંટ્રોલ રુમના નંબર 02876 – 285251 ઉપર સંપર્ક કરી શકે છે. ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે અને કંટ્રોલરુમના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. વધુમાં, ઉમેદવારોના ખર્ચના હિસાબો ચકાસવા તેમજ નિયંત્રણ માટે જિલ્લાકક્ષાએ જિલ્લા તિજોરી અધિકારીની નોડલ ઓફિસર તરીકે અને તાલુકા કક્ષાએ તાબાના પેટા તિજોરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
