અમદાવાદ વિમાન દુર્ઘટનાનું 1 વર્ષ: લંડન જવા નીકળેલા ગીર ગઢડાના ખેડૂત પુત્ર નીલની છેલ્લી સેલ્ફી જ બની આખરી યાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું. ગીરગઢડાના જરગલી ગામના ખેડૂત અરવિંદભાઈ ખૂંટના જોડિયા પુત્ર નીલની 12 જૂનની એ સફર કાયમ માટે અંતિમ સફર બની ગઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 12 Jun 2026 12:33 PM (IST)Updated: Fri, 12 Jun 2026 12:33 PM (IST)
ahmedabad-plane-crash-one-year-anniversary-neel-khunt-jargali-village-gir-gadhada

Ahmedabad Plane Crash: કાળના કપાળે 12 જૂન, 2025ની તારીખ અગ્નિઅક્ષરે અંકાઈ ગઈ હતી. અમદાવાદમાં સર્જાયેલા એ ભયાનક અને કરુણ પ્લેન ક્રેશને આજે આખું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. સમય ભલે વહી ગયો હોય, પરંતુ ગીરગઢડા તાલુકાના જરગલી ગામના એક નાના ખેડૂતના ખોરડે પથરાયેલો માતમ આજે પણ એટલો જ તાજો છે. જરગલી ગામના ખેડૂત અરવિંદભાઈ ઉકાભાઈ ખૂંટના કુળદીપક નીલની એ અંતિમ ઉડાન આજે પણ પરિવારના હૈયે શૂળ બનીને ખૂંપી ગઈ છે.

પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત અનેક મુસાફરો હોમાયા કરુણાંતિકામાં

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઉના-દીવ અને સૌરાષ્ટ્ર પંથકના અનેક મુસાફરોને ભરખી ગયેલી આ અવિસ્મરણીય વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ઝંઝોડી નાખ્યું હતું. આ કાળમુખી ઘટનામાં જરગલી ગામના સામાન્ય ખેડૂત પરિવારનો આશાસ્પદ દીકરો નીલ પણ કાળનો કોળિયો બની ગયો હતો.

અરવિંદભાઈ અને મનીષાબેનને ત્રણ પુત્રીઓ પછી ઈશ્વરે જોડિયા પુત્રો આપ્યા હતા—નીલ અને નીલકંઠ. ભણવામાં તેજસ્વી એવા નીલનું સપનું લંડન જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરવાનું હતું.

કાગળોની કમનસીબી નડી અને નીલ એકલો નીકળ્યો

મળતી માહિતી મુજબ, નીલની સાથે તેના જોડિયા ભાઈ નીલકંઠને પણ લંડન જવાનું હતું. પરંતુ વિઝા કે કાગળોની કોઈ કમનસીબીને કારણે નીલકંઠની યાત્રા અટકી ગઈ અને નીલને એકલા જ નીકળવું પડ્યું. એ એકલવાયી સફર આજે પરિવાર માટે જન્મોજનમની વેદના બની ગઈ છે.

જન્મદિવસના બરાબર એક મહિના બાદ જ ચિતા પ્રગટી!

  • 17 મે, 2025: નીલનો જન્મદિવસ આખા પરિવારે ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવ્યો હતો.
  • 12 જૂન, 2025: નીલ લંડન જવા માટે કાળમુખી ફ્લાઇટમાં સવાર થયો.
  • 17 જૂન, 2025: જન્મદિવસના બરાબર એક મહિના બાદ એ જ આંગણે નીલના અગ્નિસંસ્કારના અંગારા પ્રગટ્યા.

"પપ્પા, થોડું ખેતરનું કામ પૂરું થઈ જાય પછી 12 જૂનની ટિકિટ બુક કરાવી લઈએ…" નીલના આ આખરી શબ્દો આજે પણ પિતાના કાનમાં પડઘાય છે. લંડન જવા માટે 5, 9 અને 12 જૂનની ત્રણ તારીખો સામે હતી, પણ નિયતિએ 12મી પસંદ કરી જે નીલના જીવનની અંતિમ તારીખ બની ગઈ.

સમય થંભી ગયો છે, યાદો રડાવે છે

ખૂંટ પરિવાર માટે સમયનું ચક્ર 12 જૂન, 2025 પર જ થંભી ગયું છે. પુત્રની આત્માની શાંતિ અર્થે આજે પણ આ ખેડૂત પરિવાર દ્વારા બ્રાહ્મણો, સાધુ-સંતો અને નિરાધારોને અન્ન-વસ્ત્રનું દાન અવિરત કરવામાં આવે છે. પિતા અરવિંદભાઈ રુદન કરતા કહે છે કે, "દીકરાના મલકાટ સામે દુનિયાની તમામ દોલત તુચ્છ છે. એરપોર્ટ પર લીધેલી એની છેલ્લી સેલ્ફી જ હવે અમારી જીવવાની આખરી યાદગીરી બની ગઈ છે."

બીજી તરફ, જોડિયા ભાઈ નીલકંઠના મનમાં હવે આકાશ અને હવાઈ સફરનો એવો ભય ઘર કરી ગયો છે કે લંડનમાં સગા-સંબંધીઓ હોવા છતાં આખું કુટુંબ હવે પ્લેનનું નામ સાંભળીને પણ થરથરે છે. 1 વર્ષ પછી પણ જરગલીના આ આંગણેથી નીકળતો નિસાસો એટલો જ તીવ્ર અને હૃદયદ્રાવક છે.