Vapi: લાંબા સમયથી વેરો ના ભરનારા મિલકત ધારકો પર મનપાની લાલ આંખ, એક મહિનામાં 137 મિલકતોને તાળા માર્યા

આગામી 31 માર્ચ સુધીમાં વેરો નહીં ભરવામાં આવે, તો બાકી રકમ પર 12 ટકાનો વ્યાજ ચડાવવામાં આવશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Feb 2026 12:03 AM (IST)Updated: Thu, 26 Feb 2026 12:03 AM (IST)
vapi-municipal-corporation-seals-137-properties-over-pending-property-tax
HIGHLIGHTS
  • મિલકત ધારકો પાસેથી રૂ. 1.08 કરોડની સ્થળ વસૂલાત કરાઈ
  • 3200 મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી

Vapi: વાપી મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીએ વેરો નહીં ભરતા મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચનાના અનુસંધાને માર્ચ માસ સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ઘરવેરા વિભાગની ટીમ વેરા વસૂલાત ઝુંબેશ કરી રહી છે.

જે અંતર્ગત નોટીસો આપવા છતાં વેરો ભરવામાં મિલકતધારકો ઉદાસીન રહેતા વાપી નહેરૂ સ્ટ્રીટમાં 1 ગેરેજ, ચલામાં બેન્કની હોમલોન શાખાને, ગોલ્ડન પોઈન્ટમાં ક્લિનિકને, નીલકંઠ આશીર્વાદમાં 7 દુકાનોને, અશ્વમેઘમાં 3 દુકાનોને, સહારા માર્કેટમાં 11 ઓફિસોને, ખડકલા રોડ પર 6 દુકાનો વગેરે મળી 137 મિલકતોને તાળા મારવામાં આવ્યા હતા. 152 મિલકત માલિકો પાસેથી સ્થળ ઉપર રૂ.1.08 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.

હાલમાં લાંબા સમયથી વેરો ના ભરનારા 3200 જેટલા મિલકત ધારકોને નોટિસો આપવામાં આવી છે અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિલકત ધારકોની સુવિધા માટે વેબસાઈટ vapicity.in પર ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત માર્ચ માસમાં જાહેર રજાના દિવસોમાં મહાનગરપાલિકાની કચેરીઓ પર વેરો સ્વીકારવાની સુવિધા ચાલુ રાખવામાં આવશે.

માર્ચ-2026 થી 6% મુજબ દંડનીય વ્યાજ લાગનાર છે અને 31 માર્ચ સુધીમાં વેરો ભરવામાં નહિ આવશે તો બાકી રકમ ઉપર 12% વ્યાજ લાગી જશે. વેરો નહીં ભરનાર સામે મિલકત જપ્તીની કાર્યવાહી થતી હોય મિલકત ધારકોને પોતાનો પ્રોપર્ટી ટેક્ષ સમયસર ભરવા મનપાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.