Vapi New Mayor: વાપી શહેરના પ્રથમ મેયર તરીકે દક્ષાબેન પટેલની પસંદગી, આખરે મનપાના તમામ 5 હોદ્દેદારોની નિમણૂંક

વાપી મનપામાં મેયરનું પદ પ્રથમ અઢી વર્ષ માટે OBC વર્ગની મહિલા ઉમેદવાર માટે અનામત હોવાથી વોર્ડ 4ના દક્ષાબેન પટેલ અને વોર્ડ 1ના ચૂંટાયેલા સભ્ય ભૂમિકા પટેલ હોટ ફેવરિટ મનાતા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 28 May 2026 05:01 PM (IST)Updated: Thu, 28 May 2026 05:01 PM (IST)
vapi-to-get-new-mayor-bjp-finalising-key-vmc-posts
HIGHLIGHTS
  • ડેપ્યુટી મેયર તરીકે મિતેષ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલના નામ જાહેર

Vapi New Mayor Update: વાપી મહાનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર સહિત તમામ પાંચ હોદ્દેદારોના નામની આજે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત વાપી મનપાના પ્રથમ મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેષ દેસાઈના નામ જાહેર કરવામાં આવ્યા છે.

હકીકતમાં આજે વાપી મનપાના કમિશનર એન.એફ. ચૌધરીની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, દંડક ઉપરાંત વહીવટી અને નાણાંકીય કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.

વાપી મનપામાં મેયરની પોસ્ટ પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગ (OBC)ની મહિલા ઉમેદવાર માટે અનામત હોવાથી વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા દક્ષાબેન પટેલ અને વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવાર ભૂમિકા પટેલના નામ ચર્ચામાં હતા.

જો કે આજે મળેલી પ્રથમ બેઠકમાં મેયર તરીકે દક્ષાબેન પટેલની નિમણૂંક કરી દેવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મિતેષ દેસાઈ, દંડક તરીકે સુનિતા તિવારી, પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલના નામ જાહેર કરવામાં આવ્યા છે.

વાપી મનપામાં ભાજપને સ્પષ્ટ બહૂમતી મળી

જણાવી દઈએ કે, વાપી મહાનગર પાલિકાની 52 બેઠકો પૈકી ભાજપે 37 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 11 બેઠકો તેમજ 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. જો કે પરિણામ જાહેર થયા બાદ અપક્ષ ઉમેદવારોની પેનલે ભાજપનો ખેસ ધારણ કરી લેતા વાપી મનપામાં ભાજપનું સંખ્યાબળ વધીને 41 પર પહોંચી ગયું છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 11 સભ્યો હોવાથી મેયર પદ માટે પાર્ટીને પત્રક નહતુ મળ્યું.