Vapi News: વલસાડ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના ડુંગરા હરીયાપાર્ક વિસ્તારમાં દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ નકલી નોટ છાપવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે ₹500 ના દરની અંદાજે ₹24,30,000 ની કિંમતની નકલી નોટો સાથે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. આરોપીઓ ફ્લેટ ભાડે રાખી કલર પ્રિન્ટર દ્વારા આ નોટો છાપતા હતા.
બાતમીના આધારે ‘ઓપરેશન વાપી’
વલસાડ LCB ના PI ઉત્સવ બારોટની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ASI અજય અમલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે વાપીના હરીયાપાર્ક વિસ્તારમાં બનાવટી નોટોનું ચલણ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સૌપ્રથમ સંજય સોમનાથભાઈ પવારને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે એક ફ્લેટમાં દરોડો પાડતા ત્યાંથી છાયાદેવી સુદેશ મંડલ પણ ઝડપાઈ હતી.
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ?
વાપીના DySP બી. એન. દવેના જણાવ્યા અનુસાર, આ કૌભાંડ લાલચ અને છેતરપિંડીનું મિશ્રણ હતું. સંજય પવારે છાયાદેવીને લાલચ આપી હતી કે જો તેઓ અસલી રૂપિયા આપશે, તો તેની સામે તેને બે થી ત્રણ ગણી નકલી નોટો આપવામાં આવશે. તેમજ છાયાદેવીએ લાલચમાં આવીને પોતાના જ ભાડાના ફ્લેટમાં નોટ છાપવાની વ્યવસ્થા કરી આપી અને અસલી ₹30 લાખ આરોપીઓને આપ્યા હતા. તેની સામે આરોપીઓએ ₹80 લાખની નકલી નોટો બનાવી આપવાનું નક્કી કર્યું હતું. અને આરોપીઓ હાઈ-ક્વોલિટી કલર પ્રિન્ટર અને કટરનો ઉપયોગ કરીને ₹500 ના દરની નોટો છાપતા હતા, જેને બાદમાં માર્કેટમાં ફરતી કરવાનું આયોજન હતું.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:
- નકલી કરન્સી: ₹500 ના દરની 1215 નકલી નોટો (કિંમત ₹24,30,000).
- સાધન સામગ્રી: એક કલર પ્રિન્ટર, કટર, સ્ટીલની ફૂટપટ્ટી, પેપર પેકેટો અને ઇલેક્ટ્રિક બોર્ડ.
- અન્ય: બે મોબાઈલ ફોન અને રોકડા ₹1,580.
રિમાન્ડ અને આગળની તપાસ
વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ડુંગરા પોલીસે હાલ બંનેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કૌભાંડમાં સામેલ અન્ય બે સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) કોણ છે અને અત્યાર સુધી કેટલી નોટો બજારમાં ફેરવી છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
- 1) સંજય સોમનાથભાઈ પવાર: રહે. વાપી (મૂળ નાશિક, મહારાષ્ટ્ર)
- 2) છાયાદેવી સુદેશ મંડલ: રહે. વાપી (મૂળ ઝારખંડ)
