પ્રશાંત ગજ્જર, Vadodara accident news: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે જાણે 'ડેથ ઝોન' બન્યો હોય તેમ અહીં સતત બીજો મોટો અકસ્માત સર્જાયો છે. વડોદરાના કરજણ નજીક એક્સપ્રેસ-વે પર પાર્ક કરેલી એક કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ બનાવમાં વાપીના એક પરિવારના બે સભ્યોના મોત થયું છે. આ પરિવાર રાજસ્થાન સ્થિત ખાટું શ્યામ જઈ રહ્યો હતો.
વાપીના પરિવારની કારનો કુરચો બોલી ગયો
આ બનાવ અંગે અકસ્માતગ્રસ્ત વાપીના પરિવારના જણાવ્યા અનુસાર, પૂરપાટ ઝડપે આવેલા એક અજાણ્યા વાહન ચાલકે હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને વાહનચાલકે ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો. કારમાં કુલ 9 લોકો સવાર હતા, અને તેઓ રાજસ્થાન સ્થિત ખાટું શ્યામ દર્શનાર્થે જઈ રહ્યા હતા.
2 લોકોના ઘટનાસ્થળે મોત, 4 થી વધુ ઘાયલ
આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત 4 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ગોઝારા અકસ્માતને પગલે હાઇવે પર ચીસાચીસ અને મરણચીસો ગુંજી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને 108 ઇમરજન્સી ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
બચાવ કામગીરી શરૂ કરીને તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ તેમજ પાદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે લોહીયાળ બન્યો: પાદરાના સમીયાલા પાસે ત્રિપલ અકસ્માતમાં 4ના મોત
અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સુરક્ષા વ્યવસ્થા અને સ્પીડ લિમિટને લઈને હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાના બરાબર એક દિવસ અગાઉ જ આ હાઈવે પર પાદરા નજીક આવેલા સમીયાલા ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસ, ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના આ બનાવમાં ઇકો કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
માત્ર 24 કલાકની અંદર જ આ બીજો મોટો અકસ્માત સર્જાયો છે. હાલમાં કરજણ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને, CCTV ફૂટેજના આધારે તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
