Loading...

Valsad: વાપીમાં પત્નીના આડાસબંધમાં માથું ધડથી અલગ કરી દીધુ, કોર્ટે હત્યારા પતિને મૃત્યુદંડની સજા ફટકારી

સપ્ટેમ્બર-2021માં ગાઢ ઊંઘમાં રહેલી પત્ની પર શંકાશીલ પતિ છરો લઈને તૂટી પડ્યો હતો. પોતાનો ગુનો છૂપાવવા માટે પત્નીનું માથું કાપીને મચ્છી માર્કેટ નજીક નાળામાં ફેંકી દીધુ હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 24 Dec 2025 04:34 PM (IST)Updated: Wed 24 Dec 2025 04:34 PM (IST)
valsad-wife-murder-accused-husband-death-sentence-by-vapi-court-661366
HIGHLIGHTS
  • પોલીસે હત્યારાને જેલમાં ધકેલી ચાર્જશીટ દાખલ કરી
  • વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી

Valsad: વાપીના ડુંગરા ગામે આડા સબંધનો વહેમ રાખીને પતિએ પત્નીની હત્યા કરી હતી. નિંદ્રામાં પોઢી રહેલી પત્ની પર છરા વડે ઘાતકી હુમલો કરી ગળુ અને ધડ અલગ કરી પત્નીની હત્યા કર્યા બાદ પતિએ માથું નાળામાં ફેંકી દીધું હતું. આ ઘટનામાં પોલીસે આરોપી પતિને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં કોર્ટે આરોપી પતિને ફાંસીની સજા ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. આ સાથે કોર્ટે રૂ.5 હજારનો દંડની જોગવાઈ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાપીના ડુંગરા ગામે રહેતા લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્માને પત્નીનો અન્ય સાથે આડા સબંધ હોવાની શંકા ગઈ હતી જેને લઈને તે અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ દરમ્યાન તા.16-9-21ના રોજ નિંદ્રામાં પોઢી રહેલી પત્ની સાધનાદેવી પર પતિએ છરા વડે ઘાતકી હુમલો કરી ગળુ અને ધડ અલગ કરી ઢીમ ઢાળી દીધું હતું.

આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પત્નીના આડા સંબંધના વહેમામાં છરા વડે પત્ની પર હુમલો કરી માથું ધડથી છૂટુ કરી દીધા બાદ કોઇને ગંધ નહી જાય તે રીતે ડુંગરા મુખ્ય માર્ગ પર આવેલી મચ્છી માર્કેટ નજીક નાળામાં માથું ફેંકી દીધું હતું. પોલીસે પતિ લક્ષ્મીકાંતની ધરપકડ કરી નાળામાંથી મૃતકનું માથું શોધી કાઢ્યું હતું.

આ બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ લક્ષ્મીકાત વિશ્વકર્માની ધરપકડ કરી જેલભેગો કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. આ કેસની વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, અનેક લોકોની જુબાની સહિત સજ્જડ પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરી હતી. કોર્ટના જજએ આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મોને તકસીરવાર ઠેરવી ફાંસી (મૃત્યુદંડ)ની સજા ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે.