Loading...

Valsad: આજે વલસાડ જિલ્લામાં 700 વિદ્યાર્થીઓ 'ગુજકેટ'ની પરીક્ષા આપશે, સવારે 10 થી સાંજે 5 સુધી 3 સેશનમાં પરીક્ષા યોજાશે

પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોના આસપાસ 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક/ડિજિટલ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 29 Mar 2026 07:00 AM (IST)Updated: Sun 29 Mar 2026 07:00 AM (IST)
valsad-gujcet-2026-7000-students-to-appear-across-29-exam-centers-716845
HIGHLIGHTS
  • કુલ 29 પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી
  • શાંતિપૂર્ણ પરીક્ષા સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Valsad: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે 29 માર્ચ રવિવારના રોજ લેવાનાર GUJCET (ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ) માર્ચ 2026 વલસાડ જિલ્લાની વિવિધ પરીક્ષા બિલ્ડીંગોમાં યોજાનાર છે. પરીક્ષાનો સમયગાળો સવારે 10:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી રહેશે.

આ પરીક્ષા કુલ ત્રણ સેશનમાં યોજાશે, સવારે 10:00 થી 12:00 – ભૌતિક વિજ્ઞાન / રસાયણ વિજ્ઞાન, બપોરે 01:40 થી 02:40 – જીવ વિજ્ઞાન અને બપોરે 04:00 થી 05:00 – ગણિત. વલસાડ જિલ્લામાં અંદાજે 7000 જેટલા પરીક્ષાર્થીઓ (A, B અને AB ગ્રુપ સહિત) નોંધાયેલા છે.

પરીક્ષા સુચારૂ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કુલ 29 પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે. પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા તમામ શાળાઓ અને પરીક્ષા કેન્દ્રોને પરીક્ષા શાંતિપૂર્ણ, સુચારૂ અને નિષ્પક્ષ રીતે યોજાય તથા વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધાઓ સાથે અનુકૂળ વાતાવરણ મળે તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોના આસપાસ 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક/ડિજિટલ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973 ની કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં મુકાયું છે.જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા, લાઈટ, પંખા, પીવાનું પાણી જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

દેખરેખ માટે વર્ગ-1/2ના અધિકારીઓને સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સૂચનાઓ, હોલ ટિકિટ ફરજિયાત સાથે લાવવી, ફોટો સ્પષ્ટ ન હોય તો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી શાળાના આચાર્યશ્રીની સહી/મોહર કરાવવી, આધારકાર્ડ / સ્ટુડન્ટ આઈડી / ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ એક ઓળખપત્ર સાથે લાવવું, મોબાઈલ, સ્માર્ટ વોચ જેવા ઉપકરણો લાવવા પર પ્રતિબંધ છે, સમય પહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું.

આ પરીક્ષા માટે તમામ વહીવટી તંત્ર સજ્જ રહેશે.

  • ભૌતિક વિજ્ઞાન / રસાયણ વિજ્ઞાન 80 સવારે 10:00 થી 12:00 (120 મિનિટ)
  • જીવ વિજ્ઞાન 40 બપોરે 01:40 થી 02:40 (60 મિનિટ)
  • ગણિત 40 બપોરે 04:00 થી 05:00 (60 મિનિટ)