Valsad: વલસાડ જિલ્લામાં પશુ ક્રુરતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ટ્રકમાંથી 55 પાડાઓને મુક્ત કરવામાં આવ્યા છે. ને.હાઈવે નં 48 પર બગવાડા ટોલ નાકા પાસે પારડી પોલીસે પંજાબથી કેરળ કતલખાને લઈ જતા 5 શખ્સોની ધરપકડ કરી છે.
બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી
પારડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી વાપી તરફ જતાં એક ટ્રક (નંબર KA-01-AN-5028)માં પશુઓ લઈ જવામાં આવી રહ્યા છે. આ વિગતના આધારે પોલીસે ગૌરક્ષકોની ટીમે બગવાડા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. ટ્રક આવતા તેને રોકીને તપાસ હાથ ધરી હતી.
કન્ટેનરમાં પશુઓની ખરાબ હાલત
ટ્રકનું કન્ટેનર ખોલતા જ ઘાસચારા કે પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર 55 નાના પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા.પૂરતો હવા ઉજાસ ન મળવાને લીધે પશુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વાપીની રાતા અજીત સેવા ટ્ર્સ્ટ પાંજરાપોળ ખાતે પશુઓને યોગ્ય સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
5 આરોપીની અટકાયત
પોલીસે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના 5 ઈસમોને ઝડપી લીધા છે. જેમાં સાબીર આસુ, અંસાર અઝીઝ ખાન, તાહીર રસીદ,આબિદ અય્યુબ, સરફરાજ યાકુબને ઝડપી લીધા હતા. જ્યારે કેરળનો વિનોદ નામનો ઈસમ અને ઈર્શાદ નુરમોહમ્મદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પારડી પોલીસે કુલ 55 પાડા જેની કિંમત અંદાજે 15,50,000, ટ્રક 10.00,000, મોબાઈલ 20,000 મળીને કુલ 25,70,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
