Gujarat News Today Live 18 March, 2026: રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી અને વિરવાના ત્રણ કારખાનાઓમાંથી ખેતીવાડીની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાના કારખાના ઉપર ગ્રામ્ય એસ.ઓ.જીએ દરોડો પાડી એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા ચાર શખ્સોની ધરપકડ કરી રૂૂ.25 લાખથી વધુની કીમતની નકલી જંતુનાશક દવાનો જથ્થો કબજે કર્યો હતો.

રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી અને વિરવાના ત્રણ કારખાનાઓમાંથી ખેતીવાડીની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાના કારખાના ઉપર ગ્રામ્ય એસ.ઓ.જીએ દરોડો પાડી એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા ચાર શખ્સોની ધરપકડ કરી રૂૂ.25 લાખથી વધુની કીમતની નકલી જંતુનાશક દવાનો જથ્થો કબજે કર્યો હતો.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ઓલપાડથી સુરત તરફ આવી રહેલી એક i20 કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી, જોકે અકસ્માત પાછળ અંધારું કે વધુ પડતી ઝડપ કારણભૂત હતી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાત ATS દ્વારા ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ સાથે તેને બનાવવા માટેનો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ રેકેટના સંબંધમાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બજેટ સત્ર ચાલી રહ્યું હતું તે દરમિયાન સવારે 8:30 વાગ્યે એક ઈ-મેલ દ્વારા આ ધમકી અપાઈ હતી, જેમાં બપોરે 2 વાગ્યે વિસ્ફોટ કરવાનો ઉલ્લેખ હતો. આ ધમકીના પગલે તાત્કાલિક વિધાનસભા પરિસર ખાલી કરાવી તમામ ધારાસભ્યો અને મંત્રીઓને બહાર કાઢી સુરક્ષાકર્મીઓએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીએ બાદમાં માહિતી આપી હતી કે તપાસ દરમિયાન વિધાનસભા પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ધમકી આપનાર ઈ-મેલ આઈડી વિરુદ્ધ ગુનો નોંધી અજાણ્યા શખ્સો સામે વધુ તપાસ ચાલી રહી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન અને રણનીતિ ઘડવા માટે આજે 18 માર્ચના રોજ ગાંધીનગર સ્થિત ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાશે. ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની કામગીરી અને જનસેવાના મંત્ર સાથે ભાજપા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત વિવિધ મોરચાના પ્રમુખો અને ચૂંટણી સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે, જેમાં સંગઠનાત્મક માળખા અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.