Valsad News: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના પારડીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના રેલવે ફળિયા વિસ્તારમાં આવેલા એક ઘરના ઇન્ડોર એર કન્ડીશનર (AC) યુનિટમાંથી ત્રણ સાપ મળી આવતા ઘરમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, બાદમાં સર્પ પ્રેમીએ તમામ સાપનું સફળ રેસ્ક્યુ કરી કુદરતી વિસ્તારમાં છોડી મૂક્યા હતા.
ACમાં ઘૂસ્યા 'કોમન બ્રોંઝબેક ટ્રી સ્નેક'
બનાવની જાણ થતાં જ પ્રાણી બચાવ (એનિમલ રેસ્ક્યુ) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઘરના AC યુનિટમાંથી ત્રણેય સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરવામાં આવેલા આ સાપની ઓળખ 'કોમન બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક' (Common Bronzeback Tree Snake) તરીકે કરવામાં આવી છે, જે બિનઝેરી પ્રજાતિના સાપ હોય છે.
AC યુનિટની અંદર કેવી રીતે ઘૂસ્યા સાપ?
બંધ ઘર અને દિવાલ પર લગાવેલા AC યુનિટમાં આ સાપ ક્યાંથી આવ્યા તે અંગે લોકોને ભારે આશ્ચર્ય હતું. જોકે, આ અંગે રેસ્ક્યુઅર્સનું માનવું છે કે, પાણીના નિકાલ (ડ્રેનેજ) માટે ઉપયોગમાં લેવાતી AC ની આઉટલેટ પાઇપ મારફતે આ સાપ AC યુનિટની અંદર પ્રવેશ્યા હોવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: Valsad: કપાતર પુત્રના ત્રાસથી કંટાળ્યો વલસાડનો પરિવાર, કલેક્ટર સમક્ષ કરી 'ઈચ્છામૃત્યુ' માટે અરજી
અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ
નોંધનીય છે કે, AC માંથી સાપ મળી આવવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ વર્ષે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કેરળના તિરુવનંતપુરમમાં પણ આવી જ સમાન ઘટના નોંધાઈ હતી, જ્યાં એક AC યુનિટની અંદરથી આ જ પ્રજાતિના 5 સાપ મળી આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અન્ય કેટલાક પ્રદેશોમાં પણ એર કન્ડીશનરની અંદરથી આ પ્રજાતિના સાપ મળી આવ્યા હોવાના બનાવો નોંધાઈ ચૂક્યા છે.
