Bhavnagar News: વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણાના શેત્રુંજય ગિરિરાજ પર્વત પર સિંહ ચઢી આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. યાત્રાના મુખ્ય માર્ગ પર અચાનક સિંહ આવી ચઢતા યાત્રિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને થોડીવાર માટે યાત્રા થંભાવી દેવી પડી હતી. આ અણધારી ઘટનામાં સિંહ એક યાત્રાળુની બેગ મોઢામાં દબાવીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો, જેના પગલે વન વિભાગે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.
ઘટનાની વિગતો મુજબ, પર્વતની પગદંડી પર જ્યારે યાત્રિકોની અવરજવર ચાલુ હતી ત્યારે અચાનક ડાલામથ્થાએ એન્ટ્રી કરી હતી. સિંહને જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે ઘણા યાત્રિકોએ પોતાની પાસે રહેલી બેગ અને અન્ય સામાન રસ્તા પર જ છોડીને સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. આ દરમિયાન સિંહે રસ્તા પર પડેલી એક બેગને મોઢામાં પકડી હતી અને ઝાડીઓ તરફ જતો રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયો અનુસાર, સુરક્ષા ગાર્ડ પર્વત પર ઉપર રહેલા લોકોને નીચે ન આવવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા ઈશારો કરી રહ્યા હતા. લોકોમાં ભારે ડર હોવા છતાં મહિલાઓ એકબીજાને શાંત રહેવા અને અવાજ ન કરવા સૂચના આપી રહી હતી. આ તણાવપૂર્ણ સ્થિતિમાં શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરતા પણ નજરે પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનકર્મીઓએ જંગલના દુર્ગમ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ વન વિભાગને સિંહ જે બેગ લઈ ગયો હતો તે જંગલમાંથી મળી આવી હતી. વન વિભાગે આ સામાન સલામત રીતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સુપરત કર્યો હતો, જ્યાંથી મૂળ માલિકે પોતાની બેગ પરત મેળવી લીધી હતી.
નોંધનીય છે કે શેત્રુંજય પર્વત પર છેલ્લા 2 મહિનામાં સિંહ દેખાવાની આ બીજી મોટી ઘટના છે. વારંવાર વન્યજીવોની પર્વત પર અવરજવરને કારણે અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને યાત્રિકોમાં સતત અસલામતીની લાગણી જોવા મળી રહી છે. વન વિભાગ આગામી દિવસોમાં આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારશે અને સુરક્ષાના કડક પગલાં લેશે તેવી માંગ ઉઠી રહી છે. હાલમાં પર્વત પર સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વન વિભાગે યાત્રિકોને વન્યજીવોની હાજરી અંગે સતર્ક રહેવા અને જૂથમાં યાત્રા કરવા સૂચના આપી છે.
