Lion on Shetrunjay Hill: ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં આવેલા શેત્રુંજય ડુંગર પરથી એક અદભૂત દ્રશ્ય સામે આવ્યું છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર ચૈત્રી નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીના મંદિર પાસે એક સિંહ જોવા મળતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યોને લોકો 'માતાજીની સેવામાં મૃગરાજ' તરીકે વધાવી રહ્યા છે.
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ શેર કરી તસવીર
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર આ ભવ્ય તસવીર શેર કરી છે. આ તસવીરમાં સિંહ માતાજીના મંદિરની અત્યંત નજીક એકદમ કુદરતી અંદાજમાં બેઠેલો જોવા મળે છે, જે વન્યજીવ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ દર્શાવે છે. મંત્રીએ આ તસવીર શેર કરવાની સાથે તમામ નાગરિકોને ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભેચ્છા પણ પાઠવી હતી.

'મા અંબાના વાહન' ના દર્શનથી ભક્તોમાં ઉત્સાહ
માતાજીની સેવામાં લીન હોય તેવા સિંહનો આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે, જેને નેટિઝન્સ 'મા અંબાના વાહન' સાથે સરખાવી રહ્યા છે. નવરાત્રીના પવિત્ર પર્વ પર ભક્તો જ્યારે માતાજીની આરાધના કરી રહ્યા છે, ત્યારે મંદિર પાસે સિંહની હાજરીને પ્રકૃતિ અને શક્તિનો અનોખો મેળાપ માનવામાં આવી રહ્યો છે. ભક્તોમાં આ નજારો જોઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: તળાજાના દાઠા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણઃ જીતુ વાઘાણીએ કહ્યું- જન ત્યાં સુવિધા મંત્ર સાથે વિકાસ
સિંહોનો નવો વસવાટ અને વન વિભાગની અપીલ
વન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ભાવનગરના શેત્રુંજય ડુંગર અને તેના આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની અવરજવર વધી છે, અને ગીરના રાજા હવે ધીરે ધીરે અહીં પોતાનો નવો વસવાટ બનાવી રહ્યા છે. શેત્રુંજય પર્વતમાળાની ભૌગોલિક સ્થિતિ સિંહો માટે અનુકૂળ હોવાથી અવારનવાર અહીં સિંહોની ગર્જના સાંભળવા મળે છે.
જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે વન વિભાગે યાત્રાળુઓને સાવચેતી રાખવા અને વન્યજીવોને કોઈ પણ પ્રકારે ખલેલ ન પહોંચાડવા માટે ખાસ વિનંતી કરી છે.
