વલસાડમાં ઘરકંકાસનો કરુણ અંજામ; માતાએ 3 માસૂમો સાથે અંતિમ પગલું ભર્યું, ઝેરી દવા ગટગટાવી હોવાની આશંકા

ઉમરગામના પાલી કરમબેલી ગામમાં ઘર કંકાસમાં એક માતાએ પોતાના 3 બાળકો સાથે ઝેરી પદાર્થ ગટગટાવી લીધાની આશંકા વ્યક્ત કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 27 May 2026 12:23 PM (IST)Updated: Wed, 27 May 2026 12:23 PM (IST)
valsad-news-umargam-family-tragedy-mother-children-suicide

Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઘર કંકાસના લીધે આપઘાત કરી લીધાની કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ઉમરગામના પાલી કરમબેલી ગામમાં ઘર કંકાસમાં એક માતાએ પોતાના 3 બાળકો સાથે ઝેરી પદાર્થ ગટગટાવી લીધાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે.

ઝેરી દવા ગટગટાવ્યાની આશંકા

મળતી વિગતો મુજબ, ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક પરિવારમાં પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. અગમ્ય કારણોસર થયેલા ઝઘડાએ ઉગ્રતા ધારણ કરી લીધી હતી. આ વિવાદને પગલે પત્નીએ પોતાના ત્રણ બાળકો સાથે ઝેરી પદાર્થ ગટગટાવી દીધી હોવાની શકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ બાળકો અને માતાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ત્રણેય માસૂમોના સારવાર દરમિયાન કરુણ મોત

આશંકા પ્રમાણે ઝેરી દવાની અસરથી ત્રણ વર્ષની બાળકી નાયરા અને ફક્ત સાત મહિનાના બે જોડિયા બાળકોએ પ્રાણ ગુમાવી દિધો છે. જ્યારે માતા નિશાબેનની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, આવી ગંભીર ઘટનાને પગલે ભીલાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દો઼ડી આવ્યો હતો. ત્રણેય માસૂમોના કરુણ મોતથી ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

માતાની હાલત ગંભીર, બાળકોના પીએમની રાહ

ભીલાડ પોલીસે હાલ ત્રણેય માસૂમ બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દિધા છે. ઉપરાંત એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. બાળકોના મોતને લઈને માત્ર આશંકા વ્યક્ત કરાઈ છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ, બાળકોના મોતનું સાચું કારણ જાણી શકાશે, તે પ્રમાણે ભીલાડ પોલીસ વધુની કાર્યવાહી હાથ ધરશે.