વલસાડમાં કાળજું કંપાવતી ઘટના: 13મા માળ પરથી કૂદીને 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો; સીસીટીવીમાં કેદ થઈ આત્મહત્યા પહેલાની છેલ્લી 10 મિનિટ

બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસતા આત્મહત્યા પહેલાની માનવની છેલ્લી 10 મિનિટ સામે આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 08 Jun 2026 08:00 AM (IST)Updated: Mon, 08 Jun 2026 08:00 AM (IST)
22-year-old-youth-commits-suicide-by-jumping-from-13th-floor-in-valsad-see-cctv-footage

Valsad Suicide News: વલસાડના તીથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સ (દમણગંગા વિંગ) બિલ્ડિંગમાં રવિવારે બપોરે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષીય એક યુવાને બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવકની ઓળખ સુઘડ ફળિયા (શહીદ ચોક) ના રહેવાસી માનવ રાજુભાઈ પટેલ તરીકે થઈ છે, જે ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો. ઊંચાઈ પરથી પટકાવાને કારણે યુવકને મોઢા અને આખા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પુત્રની લાશ જોઈને માતાનું આક્રંદ

ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના પરિવારને જાણ કરી હતી. શાકભાજીની દુકાને ગયેલી માતા સંગીતાબેન, કાકા રાહુલભાઈ અને કાકી જાગૃતિબેન દોડી આવ્યા હતા. પોલીસે જ્યારે મૃતદેહ પરથી સફેદ કપડું હટાવ્યું, ત્યારે પોતાના વહાલસોયા એકના એક પુત્રની લોહીલૂહાણ લાશ જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં તેમની ચીસ નીકળી ગઈ હતી. આશરે દોઢ વર્ષ પહેલાં જ પિતાનું અવસાન થયું હોવાથી માનવ જ વિધવા માતા અને 15 વર્ષની બહેનનો એકમાત્ર આર્થિક સહારો હતો.

લોનના કારણે આપઘાતની આશંકા

માનવના કાકા રાહુલભાઈએ જણાવ્યું કે, માનવ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને 10 પાસ પછી આઈટીઆઈ (ITI) કર્યું હતું. પરંતુ પિતાની બીમારી અને ઘરની જવાબદારીના કારણે તેણે ભણવાનું છોડવું પડ્યું. તે ઘર ચલાવવા રાત-દિવસ સંઘર્ષ કરતો હતો; સવારે કાકા સાથે બરફનું કામ કરતો અને બપોર પછી પિત્ઝા ડિલિવરીની નોકરી કરતો હતો. તે વિદેશ જવાના સપના પણ જોતો હતો. જો કે, તે છેલ્લા કેટલાક સમયથી ફાઈનાન્સિયલ ટેન્શનમાં રહેતો હતો અને કોઈ લોનની સમસ્યાના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની કાકાએ આશંકા વ્યક્ત કરી છે.

CCTV કેમેરામાં કેદ થઈ દિલ ધડકાવનારી છેલ્લી 10 મિનિટ

બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસતા આત્મહત્યા પહેલાની માનવની છેલ્લી 10 મિનિટ સામે આવી છે. વીડિયોમાં દેખાય છે કે માનવ બપોરે 1:14 વાગ્યે 13મા માળે પહોંચે છે. તે લોબીમાં અહીં-તહીં આંટા મારે છે, આજુબાજુ નજર ફેરવે છે અને પોતાના મોબાઈલમાં કશુંક ટાઈપ કરતો દેખાય છે. ત્યારબાદ તે ટી-શર્ટથી મોઢાનો પરસેવો લૂછે છે અને સીસીટીવી કેમેરા તરફ જોઈને પોતાના મોબાઈલને નીચે મૂકી દે છે. બરાબર 10 મિનિટના ભારે માનસિક મંથન બાદ, અચાનક તે દીવાલ પર ચડીને નીચે છલાંગ લગાવી દે છે. હાલ વલસાડ સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાતના ચોક્કસ કારણો જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે.