વલસાડમાં 13માં માળેથી કૂદીને 22 વર્ષીય પિઝા ડિલિવરી બોયનો આપઘાત, માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક તારણ

13મા માળેથી નીચે પટકાતા થયેલા અવાજને પગલે બિલ્ડિંગના રહીશો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે માનવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 07 Jun 2026 07:16 PM (IST)Updated: Sun, 07 Jun 2026 07:16 PM (IST)
valsad-news-22-year-old-pizza-delivery-boy-dies-after-jumping-from-13th-floor

Valsad News: વલસાડમાં 13માં માળેથી કૂદીને 22 વર્ષીય પિઝા ડિલિવરી બોયે આપઘાત કર્યો હોવાના અહેવાલ છે. આ બનાવ આજે 7 જૂનના રોજ બપોરે બન્યો હતો. મૃતકનુ નામ માનવ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર યુવકે લાંબા સમયથી આર્થિક સંકડામણ અને પારિવારિક જવાબદારીઓના ભારણથી કંટાળીને આ પગલું ભર્યું હોઇ શકે છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દીવાલ પર ચઢી મોતની છલાંગ લગાવી હતી

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે, તેમાં માનવ બપોરે 1.14 વાગ્યે બિલ્ડિંગની દમણગંગા વિંગના 13મા માળે પહોંચ્યો હતો. ત્યાં તે આશરે 10 મિનિટ સુધી રોકાયો હતો. ફૂટેજમાં તે લોબીમાં અસ્વસ્થ હાલતમાં આંટાફેરા કરતો, ટી-શર્ટથી પરસેવો લૂછતો અને મોબાઈલમાં કંઈક ટાઈપ કરતો જોવા મળ્યો હતો. તેણે અનેકવાર પેસેજની દીવાલ પરથી નીચે જોયું હતું અને આજુબાજુ કોઈ છે કે નહીં તેની ચકાસણી કરી હતી. અંતે, બપોરે 1.24 વાગ્યે તેણે દીવાલ પર ચઢી મોતની છલાંગ લગાવી હતી.

13મા માળેથી નીચે પટકાતા થયેલા અવાજને પગલે બિલ્ડિંગના રહીશો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે માનવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સીસીટીવીમાં જોઈ શકાય છે કે યુવક નીચે પટકાયાની ગણતરીની સેકન્ડોમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.

સતત માનસિક તણાવમાં રહેતો હતો

મૃતક યુવક પિઝા ડિલિવરીની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લા કેટલાક સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આર્થિક તંગી અને પરિવારની જવાબદારીઓને કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ સતત વધતા દબાણને કારણે તેણે જિંદગી ટૂંકાવવાનો આકરો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

વલસાડ સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ મૃતકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરી રહી છે જેથી આપઘાતના ચોક્કસ કારણો જાણી શકાય. ભરબપોરે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.