Valsad: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક યુવકે લગ્નની લાલચ આપીને 7 મહિના સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતુ. જેના કારણે સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે ઉમરગામ પોલીસે હવસખોર યુવક વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉમરગામમાં રહેતી 16 વર્ષીય સગીરાને પાડોશમાં રહેતા રોહિત યાદવ (18) નામના યુવકે મિત્રતા કેળવી હતી. બન્ને જણાં મોબાઈલ પર વાતચીત કરતા હોવાથી રોહિતે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ ગત જુલાઈ થી જાન્યુઆરી 2026 એમ સતત 7 મહિના સુધી રોહિતે બળજબરીથી સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા.
તાજેતરમાં જ સગીરાને તબિયત લથડતા તેના પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું માલૂમ પડતાં માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આખરે માતાએ પૂછપરછ કરતાં સગીરાએ રડતા-રડતા પોતાની આપવીતી કહી હતી. સગીરાએ કબૂલાત કરી હતી કે, પાડોશી રોહિત યાદવ લગ્નની લાલચ આપીને પોતાની મરજી વિરુદ્ધ તેનું શારીરિક શોષણ કરતો હતો.
આ મામલે પરિવારજનોએ હિંમત આપતા સગીરાએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેટળ ગુનો નોંધીને આરોપી રોહિત યાદવની ધરપકડ કરી છે. જ્યારે સગીરાને મેડિકલ મોકલવા સહિત પુરાવા એકત્ર કરવા આગળની તપાસ હાથ ધરી છે.
