Loading...

વલસાડમાં બાળક રમતા-રમતા એક રૂપિયાનો સિક્કો ગળી જતાં અન્નનળીમાં ફસાયો, સિવિલમાં સર્જરીથી નવજીવન મળ્યું

રમતી વખતે બાળકના હાથમાં રૂપિયાનો સિક્કો આવી જતાં તેણે મોંઢામાં મૂક્યો તે સાથે જ અંદર ઉતરી ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 05 Feb 2026 07:52 PM (IST)Updated: Thu 05 Feb 2026 07:52 PM (IST)
valsad-news-coin-stuck-in-childs-food-pipe-timely-surgery-at-civil-hospital-saves-life-686426
HIGHLIGHTS
  • બાળકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત સ્ટાફનો આભાર માન્યો

Valsad: વલસાડમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રમતા-રમતા બાળક એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. જે અન્નનળીમાં ફસાઈ ગયો હતો. જો કે સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વલસાડના ગુંદલાવ સાઈનગર વિસ્તારમાં રહેતા શિવલાલ મહતોનો પુત્ર પોતાના ઘરે રમી રહ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં એક રૂપિયાનો સિક્કો આવી ગયો હતો. રમત-રમતમાં બાળકે સિક્કો મોંઢામાં મૂકતા તે ગળી ગયો હતો.

સિક્કો ગળી ગયા બાદ બાળકને ખાવા-પીવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પુત્રની તબિયત લથડતી જોતા પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

વલસાડ સિવિલના ENT વિભાગમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એક્સ-રે કરતાં સિક્કો બાળકની અન્નનળીમાં ફસાઈ ગયો હોવાનું નિદાન થયું હતુ. જેના પગલે તબીબોએ સહેજ પણ સમય બગાડ્યા વિના ઑપરેશન કરીને સિક્કાને સફળતાથી બહાર કાઢ્યો હતો. હાલ બાળકની હાલત સ્થિર છે. બાળકનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ સિવિલના તબીબોની ટીમનો આભાર માન્યો છે.