Loading...

કપરાડામાં ગેસ સંકટ વચ્ચે નવી રાહત: 200 પરિવારોએ બાયોગેસ પ્લાન્ટનો અપનાવ્યો વિકલ્પ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બાયોગેસ પ્લાન્ટસ યોજનાથી લોકોને ગેસ સિલિન્ડર પરની નિર્ભરતા ઘટી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 04 Apr 2026 12:45 PM (IST)Updated: Sat 04 Apr 2026 01:07 PM (IST)
valsad-kaprada-villagers-adopt-biogas-plant-amidst-lpg-price-hike-721451

Valsad: ભારતમાં હાલ રાંધણ ગેસની અછત અને વધતી જતી મોંઘવારીના પગલે સામાન્ય વર્ગના લોકો આર્થિક બોજ તળે દબાઈ ગયા છે, રોજિંદુ જીવન પણ ચલાવવું દુષ્કર બની ગયું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બાયોગેસ પ્લાન્ટસ યોજના લોકો માટે આશાનું કિરણ સાબિત થઈ છે.

2.75 લાખ નિર્ધૂમ ચૂલ્હાનું વિતરણ

કપરાડા તાલુકા પંચાયત સભ્ય કુંજાલીબેન પટેલની આગેવાની નીચે આ યોજના અમલમાં મૂકાઈ છે. વર્ષ 2022માં કપરાડા, ધરમપુર,દાદરા નગર હવેલી અને પારડીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને મહિલાઓને ધૂમાડાથી થતા રોગોથી બચાવવા માટે અંદાજિત 2.75 લાખથી વધારે નિર્ધુમ ચૂલ્હાનું વિતરણ કરાયું હતું.

પાણી અને છાણનો બાયોગેસમાં ઉપયોગ

આ અભિયાનને મળેલી સફળતા બાદ હવે બાયોગેસ પ્લાન્ટનું વિતરણ શરુ કરાયું છે. હાલ જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કપરાડામાં 200 બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવેલ છે.તેમજ વધારે ગામડાઓ સુધી સુવિધા પહોચાડવાની કામગીરી ચાલુ છે. બાયોગેસ પ્લાન્ટ પાણી અને ગાયના છાણથી ગેસ ઉત્પન્ન થાય છે. જેના લીધે રસોઈ માટે મોંઘા ગેસ પર નિર્ભરતા ઘટી જવા પામી છે.

પ્લાન્ટના અવશેષનો ખેતીમાં ઉપયોગ

ખાસ કરીને હાલ ગેસની અછત અને મોંઘવારી વચ્ચે ગ્રામ્ય પરિવારો માટે બાયોગેસ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આ સાથે ધૂમાડા વગર રસોઈ બનતા મહિલાઓના આરોગ્યમાં સુધારો જોવા મળ્યો છે. આ પ્લાન્ટમાંથી મળતું અવશેષ જૈવિક ખાતર તરીકે ઉપયોગી બનતું હોવાથી ખેતીમાં પણ ઉપયોગી બનતું હોવાથી ખેતીમાં ખર્ચ ઘટી રહ્યો છે. તેમજ કેટલાક પરિવારોને વધારાની આવક મળી રહી છે.

પરિવારો સુધી યોજનાનો વિસ્તાર

આ અંગે તાલુકા પંચાયતના સભ્ય કુંજાલી પટેલના જણાવ્યા મુજબ જરુરિયાત મંદ પરિવારને સહાય પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા છે. તેમજ આવનાર સમયમાં વધુ પરિવારો સુધી આ યોજના વિસ્તરશે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તી અને સ્વસ્છ ઉર્જા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયુ છે.