Valsad Bridge Collapse: વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર ચાલી રહેલા બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન આજે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલી પાલણ (વાંસ અને લાકડાનું સ્ટ્રક્ચર) અચાનક તૂટી પડતાં, તેના પર કામ કરી રહેલા પાંચ જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
ચાર શ્રમિકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા
આ દુર્ઘટના સવારે નવ વાગ્યાના અરસામાં બની હતી. બ્રિજના બે પિલર વચ્ચેના ભાગે સ્લેબ બનાવવા માટે બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પાંચ જેટલા શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ કાટમાળ નીચે દટાયા હતા.
ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ચાર શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.
એક શ્રમિકની શોધખોળ ચાલુ
રેસ્ક્યૂ ટીમ દ્વારા ચાર શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા બાદ પણ એક શ્રમિકની શોધખોળ ચાલુ છે, જે હજુ પણ કાટમાળ નીચે દટાયો હોવાની આશંકા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા લાપતા શ્રમિકને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
પારડી-સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ભોળાભાઈ પટેલના જણાવ્યા અનુસાર, બ્રિજના છેલ્લા બે પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાનો હતો, પરંતુ કોઈ ટેકો ખસી જતાં આખી પાલણ ધડાકાભેર તૂટી પડી હતી. આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે કે બ્રિજનું કામ ગુણવત્તાના ધોરણો મુજબ કરવામાં આવી રહ્યું હતું કે કેમ, અને સ્ટ્રક્ચર શા માટે તૂટી પડ્યું.
