Valsad euthanasia case: વલસાડ શહેરમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક આખા પરિવારે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. હકીકતમાં, એક લાચાર વૃદ્ધ પિતાએ પોતાના સગા પુત્રના ત્રાસથી કંટાળીને કલેક્ટર સમક્ષ લેખિતમાં આખા પરિવાર માટે ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે.
પુત્રના ત્રાસથી નરક સમાન બન્યું ઘર
આ અંગે મળતી વિગત અનુસાર, નંદુરબારના મૂળ વતની સુરેશભાઈ નાઈકની વર્ષ 1989માં વલસાડ રેલવેમાં બદલી થઈ હતી. જે બાદ તેમણે સુખ-શાંતિ માટે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં ઘર બનાવ્યું હતું, પરંતુ આજે તે ઘર નરક સમાન બની ગયું છે. સુરેશભાઈએ કલેક્ટરને આપેલી અરજીમાં જણાવ્યું કે, તેમનો 43 વર્ષીય નાનો પુત્ર હેમંત નાઈક છેલ્લા 20 વર્ષથી દારૂના રવાડે ચઢી ગયો છે.
સુરેશભાઈના જણાવ્યા અનુસાર, પુત્ર રોજ દારૂ પીને ઘરે આવે છે, વૃદ્ધ માતા-પિતા અને દિવ્યાંગ બહેનને ત્રાસ આપે છે. વધુમાં, તે ઘરમાં તોડફોડ કરી અશ્લીલ શબ્દો બોલે છે. પુત્ર ઘરે આવે ત્યારે ઘરમાં એવી દુર્ગંધ ફેલાવે છે કે જીવવું મુશ્કેલ બની જાય છે, અને તે શાંતિથી જમવા પણ દેતો નથી.
આ પણ વાંચો

95 ટકા દિવ્યાંગ દીકરીની દયનીય હાલત
સુરેશભાઈના પરિવારમાં તેમના પત્ની, બે દીકરા અને એક જન્મથી 95 ટકા દિવ્યાંગ દીકરી છે. દીકરીની સેવા કરવાની ઉંમરે પિતાએ પુત્રનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. પરિવારે અનેકવાર પોલીસની મદદ લીધી, અને પોલીસે પુત્ર પાસે માફી પત્ર પણ લખાવ્યા છે. જોકે, જેલમાંથી છૂટ્યા કે પોલીસ સ્ટેશનથી આવ્યા બાદ નાલાયક પુત્ર સુધરવાની જગ્યાએ પરિવારને વધુ ત્રાસ આપતા હતો.
આખા પરિવાર માટે કરી ઈચ્છામૃત્યુની માંગ
અંતે, પુત્રના ત્રાસ સામે લાચાર થઈને પિતાએ આખા પરિવાર માટે વલસાડ જિલ્લા કલેક્ટર સામે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું કે, ભારતના સંવિધાનમાં ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નથી, તેથી પરિવારને હાલ સમજાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ઉમરગામ હાઇવે પર 'સોના' જેવી ચળકાટથી લોકો અંજાયા! આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા, હકીકત બહાર આવી
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ વધુમાં કહ્યું કે, આર્થિક રીતે પરિવારને કોઈ મુશ્કેલી નથી કારણ કે વૃદ્ધ રેલવેના નિવૃત્ત કર્મચારી છે અને પેન્શન મેળવે છે. જોકે, આ કિસ્સો વલસાડમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો વ્યસની પુત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહીની ખાતરી
કલેક્ટરે વલસાડના પ્રાંત અધિકારીને વૃદ્ધના ઘરે જઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે. પ્રથમ તબક્કે પુત્રને બોલાવીને સમજાવવામાં આવશે, પરંતુ જો તે નહીં સમજે તો તેની સામે 'સીનિયર સિટીઝન એક્ટ' તેમજ CRPC ની કલમ 106 થી 110 હેઠળ આકરા પગલાં લેવામાં આવશે અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.
