Gujarat Rain: દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી, ધરમપુરમાં ઝરમર વરસાદમાં ભીંજાવા લોકો રસ્તા પર ઉતર્યા

તાપીના સોનગઢ શહેરમાં બૂંદાબૂંદી બાદ ગ્રામ્ય પંથકમાં વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી, વાહન ચાલકોને હાલાકી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 07 May 2026 06:56 PM (IST)Updated: Thu, 07 May 2026 06:56 PM (IST)
gujarat-rain-people-took-to-the-streets-in-dharampur-drenched-in-the-pouring-rain
HIGHLIGHTS
  • નર્મદાના ડેડીયાપાડામાં કરા સાથે વરસાદનું તોફાની ઝાપટું

Gujarat Rain: રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. એવામાં આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મોસમમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો

નર્મદા જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. જો કે બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને ડેડીયાપાડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

વલસાડમાં ઝરમર વરસતા વરસાદમાં ભીંજાવા લોકો રસ્તા પર ઉતર્યા

વલસાડ જિલ્લામાં પણ આજે સવારથી અસહ્ય બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. એવામાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ધરમપુર અને કપરાડામાં ઝરમર વરસાદ શરૂ થતાં લોકો ભીંજાવા માટે રસ્તા પર ઉતરી પડ્યા હતા.

તાપીના સોનગઢમાં આંધી-વંટોળ બાદ ઝાપટા વરસ્યા

તાપી જિલ્લાના સોનગઢમાં પણ આખો દિવસ અસહ્ય ઉકળાટના અંતે તોફાની ઠંડો પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોનગઢમાં છાંટા પડ્યા હતા, પરંતુ ગ્રામ્ય પંથકમાં તોફાની વરસાદી ઝાપટા પડ્યા હતા. આમ અણધાર્યા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ કેરી સહિતના ઉનાળુ પાકમાં નુકસાનની શક્યતાને જોતા ખેડૂતો ચિંતિત થયા છે.